ઓટાવાઃ કેનેડામાં ફરી એક વાર ખાલિસ્તાનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી અને ભારતવિરોધી નારેબાજી કરવામાં આવી હતી. ભારત સરકારે આ મામલે નારાજગી વ્યકત કરતાં કેનેડા સરકાર સમક્ષ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની સામે ચોથી જુલાઈએ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં ભારતવિરોધી સૂત્રો પોકારવાની સાથે રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી વિવાદિત નિવેદનો પણ કરવામાં આવ્યાં હતાં. ખાલિસ્તાનના સમર્થકોએ દ્વારા ભારત સરકાર સામે ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે સાથે આ દેખાવકારોએ કેનેડામાં કાર્યરત ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા સામે કેસ ચલાવવાની પણ માગ કરી હતી.