નવી દિલ્હીઃ કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પ્રથમ ઘટનામાં કેનેડાના અલબર્ટા રાજ્યના પાટનગર એડમોન્ટનમાં મૂળ પંજાબના ભારતીય કેનેડિયન બિલ્ડર બૂટાસિંહ ગિલની સોમવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ગોળીબાર તેમની કન્સ્ટ્રક્શન સાઈટ પર થયા હતા, જેમાં અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, જ્યારે ત્રીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે.
ઘાયલ વ્યક્તિની ઓળખ 51 વર્ષીય સરબજિતસિંહ તરીકે થઈ છે, તેઓ સિવિલ એન્જિનિયર છે. ગોળીબારમાં મૃત્યુ પામેલા બૂટાસિંહ ગિલ શહેરના અગ્રણી બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની ગિલ બિલ્ટ હોમ્સના વડા હતા. ગોળીબારની ઘટના સોમવારે બપોરે થઈ હતી. ગિલ એક ગુરુદ્વારાના પ્રમુખ હતા. તેઓ ભારતીય કેનેડિયન સંઘો સાથે પણ સંકળાયેલા હતા. સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં એડમોન્ટન પોલીસે કહ્યું કે, પોલીસ સોમવારની બપોર આસપાસ રહેણાક વિસ્તારમાં થયેલા ગોળીબારની તપાસ કરી રહી છે.
બીજી ઘટનામાં, વાનકુંવરમાંથી 24 વર્ષના ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. વાનકુંવર પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષના ચિરાગ અંતિલનો મૃતદેહ તેની કારમાંથી મળી આવ્યો હતો. નજીકના પાડોશીઓએ કહ્યું હતું કે તે પહેલાં તેમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. સ્થાનિક સમય મુજબ રાતે 11ના સુમારે પાડોશીઓએ બંદૂકનો અવાજ સાંભળ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં એક કારમાંથી ચિરાગ અંતિલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને હજી કોઈની ધરપકડ નથી થઈ. કોંગ્રેસ સ્ટુડન્ટ સંગઠનની પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના વડા વરુણ ચૌધરીએ વિદેશ મંત્રાલયને ટેગ કરીને ટ્વિટ કરતાં આ મુશ્કેલ ઘડીમાં મૃતક વિદ્યાર્થીના પરિવારને મદદ કરવા વિનંતી કરી હતી. તેમણે ટ્વિટ કરીને આ કેસમાં ચાલી રહેલી તપાસ પર નજર રાખીને મૃતકના પરિવારને ઝડપી ન્યાય મળે તેવી તજવીજ કરવા પણ અપીલ કરી હતી. ચિરાગના મૃતદેહને ભારત પરત લાવવા ક્રાઉડ ફન્ડિંગ કરાઈ રહ્યું છે.