વોશિંગ્ટનઃ કેલિફોર્નિયામાં સ્થિત વિશ્વના સૌથી મોટા બેટરી સ્ટોરેજ પ્લાન્ટમાંના એકમાં આગ ફાટી નીકળતા હજારો લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમજ ઉત્તર કેલિફોર્નિયામાં હાઇવે 1ના એક ભાગને બંધ કરવાની ફરજ પડી હતી.
મરક્યૂરી ન્યૂઝના અહેવાલ અનુસાર ગયા ગુરુવારે બપોરે શરૂ થયેલી આગે થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ચારેતરફ અગનજ્વાળા અને ધુમાડો છવાઇ ગયા હતા. આ પછી તરત જ 1,500 લોકોને મોસ લેન્ડિંગ આસપાસના વિસ્તાર ખાલી કરીને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. સાન ફ્રાન્સિસ્કોથી લગભગ 77 માઇલ દક્ષિણે મોસ લેન્ડિંગ પાવર પ્લાન્ટ સ્થિત છે, જેની માલિકી ટેક્સાસની કંપની વિસ્ટ્રા એનર્જી ધરાવે છે અને પ્લાન્ટ ખાતે હજારો લિથિયર બેટરીને સ્ટોર કરવામાં આવી છે. વીજ સંગ્રહ માટે આ બેટરીઓ મહત્વપૂર્ણ છે.