ઉત્તર કેલિફોર્નિયાના ટર્લોક શહેરની એક ગુરુદ્વારામાં ૧૦મી જાન્યુઆરીએ શીખોના બે જૂથો વચ્ચે સત્તા અને શાસન માટેના આંતરવિગ્રહનો વીડિયો જાહેર થયો છે. વીડિયો મુજબ બંને જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસને બોલાવી હતી પછી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વીડિયોમાં શીખો એકબીજા સામે મુક્કા ઉગામીને મારતા હતા અને કેટલાકે કિરપાણ કાઢી હતી તો કેટલાકે ગુરુદ્વારામાં ઉત્સવ માટે રખાયેલી તલવારો ઉઠાવી લીધી હતી.
ગુરુદ્વારામાં હાજર હરિન્દર તૂરે આ વિશે કહ્યું હતું કે, આ કલહ સત્તા માટે થયો હતો. બે જૂથો વચ્ચેની આ અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ટર્લોક પોલીસના કહેવા મુજબ, તેમણે આ પૂર્વે પણ ગુરુદ્વારા અંગેના મતભેદને નિવારવાની ફરજ બજાવેલી છે, જોકે આટલી હદ સુધી વાત ક્યારેય વકરી નહોતી. હાલમાં પોલીસ દ્વારા કોઈની અટકાયત કરવામાં આવી નથી, પરંતુ ઘટનાની તપાસ જારી છે.