સાન ફ્રાન્સિસ્કો: કેલિફોર્નિયામાં ભારતીય જ્વેલરી બ્રાન્ડ પીએનજીના શોરૂમમાં ત્રાટકેલા 20 બુરખાધારી લૂંટારુ ગણતરીની મિનિટોમાં કરોડોની લૂંટ કરીને નાસી જતાં સનસનાટી મચી ગઇ છે. તેમણે પહેલાં ગાર્ડને મોમાં ડૂચો દઇને બાંધી દીધો હતો અને તે પછી ખૂબ સરળતાથી તાળું તોડી ઝવેરાતની દુકાનમાં ઘૂસી ગયા. તેમની તમામ હરકતો સીસી ટીવી કેમેરામાં ઝડપાઇ ગઈ છે. જોકે આ નકાબપોશ ધાડપાડુઓને ઓળખી શકાયા નથી. આ ડાકુઓ દુકાનમાં ફરી વળ્યા હતા અને એક એક કરીને તમામ શો કેસને તોડી તેમાંથી જ્વેલરી ઉઠાવી પોતાની બેગોમાં ભરી રવાના થઇ ગયા હતા.
તેમની આ સિફતભરી કામગીરી ઉપરથી લાગે છે કે તેમને તે પૂરી માહિતી હશે જ કે ક્યા પ્રકારની કિંમતી જ્વેલરી કયા શો કેસમાં છે. ક્યો કબાટ તોડવા જેવો છે. ચોરીનો આ વીડિયો સોશ્યલ મીડિયા સાઇટ્સ ઉપર ખૂબ વાયરલ થઇ ગયો છે. જોકે હજી પોલીસ તેનો ભેદ ઉકેલી શકી નથી, પરંતુ પાંચ શંકાસ્પદોની અટકાયત કરી છે.
મહારાષ્ટ્રના પૂનાની આ જ્વેલરી બ્રાંડનો પ્રારંભ પુરૂષોત્તમ નારાયણ ગાડગીલે મૂળ તો એક નાનાં શહેરથી કર્યો હતો. અત્યારે તેની બ્રાંડ પીએનજી દુનિયાના વિવિધ દેશોમાં 35 સ્ટોર ધરાવે છે. આ ધાડમાં લૂંટારુઓ ખરેખર કેટલા મૂલ્યની જ્વેલરી ઉઠાવી ગયા છે તેનો તાગ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે.