લોસ એન્જલસઃ યોગના આગવા સ્વરૂપ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિક્રમ યોગાના સ્થાપક ૭૦ વર્ષીય વિક્રમ ચૌધરી લોસ એન્જલસમાં જાતીય સતામણીનો કેસ હારી જતા તેમને વિશ્વભરના ૭૦૦ જેટલા વિક્રમ યોગા સ્ટુડિયોના માલિક પદેથી હટાવી દેવાયા હતા અને ૧૩ રોલ્સ રોઈસ, ૮ બેન્ટલી અને ૩ ફેરારી કાર સહિત ૪૩ જેટલી વૈભવી કારનો હવાલો સોંપી દેવા આદેશ કરાયો હતો. ચૌધરીએ ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં કેલિફોર્નિયામાં 40C યોગ કસરત કેન્દ્રો શરૂ કર્યા હતા. મેડોના, બિયોન્સ અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ પણ આ યોગ કરતી હતી.
ચૌધરી ગત જાન્યુઆરીમાં તેમની લીગલ ટીમના પૂર્વ વડા ૪૭ વર્ષીય મીનાક્ષી જાફા બોડને કરેલો કેસ હારી ગયા હતા. બોડને જણાવ્યું હતું કે યોગી હવસખોર હતો. તે યુવા મહિલા ભક્તોને પોતાનો શિકાર બનાવતો હતો. બોડને જણાવ્યું હતું કે મને બળાત્કાર અને જાતીય સતામણીની પહેલી ફરિયાદ મળતા નવાઈ લાગી હતી. મેં વિક્રમ ચૌધરીના ગુના પર ઢાંકપિછોડો કરવાનો ઈનકાર કરતા તે મને પણ અપમાનિત કરવા લાગ્યા હતા.
બોડને ઉમેર્યું હતું કે વિક્રમે મિલકતો છૂપાવવાનો પ્રયાસ કર્યો છે અને તે અમેરિકા નાસી ગયો છે. પરંતુ, ન્યાય તો થશે જ. લોસ એન્જલસની સુપિરિયર કોર્ટે તેને ૬.૪ મિલિયન ડોલરના વળતરનો આદેશ કર્યો હતો. ગત એપ્રિલમાં તે રકમ ઘટાડીને ૪.૬ મિલિયન ડોલર કરાઈ હતી. જોકે, કોસ્ટ સાથે તે રકમ ૬.૭ મિલિયન ડોલર થઈ હતી.
ગત ઓક્ટોબરમાં વિક્રમ ચૌધરીએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે પાર્કિન્સન્સ, એઈડ્સ અને કેન્સર મટાડી શકે છે. તેમણે કહ્યું હતું કે મારા પર બળાત્કારનો આરોપ મૂકનારા જૂઠ્ઠા છે.