અમેરિકનોએ બિન-આરોગ્યપ્રદ સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ ઘટાડતાં કંપનીના નફા પર વિપરિત અસર જોવા મળી રહી છે. આથી વેચાણ વધારવા કંપનીએ પ્રીમિયમ દૂધમાંથી પીણું બનાવ્યું છે. કંપની ‘ફેરલાઇફ’ બ્રાન્ડ હેઠળ આ મિલ્ક પેક ડિસેમ્બરના અંત સુધીમાં બજારમાં મૂકશે. સામાન્ય દૂધ કરતાં આ દૂધમાં કેટલીક વિશેષતા હશે અને તેની કિંમત બમણી રહેશે. ઉપરાંત આ દૂધ લેક્ટોઝમુક્ત હશે. ગયા સપ્તાહમાં મોર્ગન સ્ટેન્લી ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફરન્સ ખાતે કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સેન્ડી ડગ્લાસે જણાવ્યું હતું કે આ એક મૂળભૂત રીતે અલગ પ્રકારનું દૂધ હશે. ફ્રુટ જ્યૂસનું માર્કેટ ઘટી રહ્યું હોવા છતાં કોકા-કોલાની જ્યૂસ પ્રોડક્ટો જાહેરાતોનાં જોરે બજારમાં અસ્તિત્વ ટકાવી રહી છે. ફ્રૂટજ્યુસમાં વધુ પ્રમાણમાં સુગર હોવાથી બાળપણમાં જ મેદસ્વિતાનું જોખમ રહે છે. ડગ્લાસ કહે છે કે અમે ફક્ત સાદું દૂધ જ વેચવા ઇચ્છીએ છીએ. કોકા-કોલા દાવો કરે છે કે તેના દ્વારા ઉત્પાદિત દૂધ પરંપરાગત દૂધ કરતાં વધુ આરોગ્યપ્રદ છે, કારણ કે તેમાંથી ફેટ અને સુગર દૂર કરવા અને પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે તેને કોલ્ડ ફિલ્ટર કરવામાં આવે છે. અત્યારે કોકા-કોલા આ પ્રકારની ફિલ્ટરેશન પ્રક્રિયા દ્વારા કોર પાવર નામનો પ્રોટીન શેક વેચે છે.