વોશિંગ્ટનઃ અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય કોલસેન્ટર ઉદ્યોગને આંચકો આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, દક્ષિણ એશિયા સાથે સંકળાયેલા લોકો દ્વારા મોટાભાગે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે ઈન્ટરનલ રેવન્યૂ સર્વિસના અધિકારીઓ તરીકે અમેરિકી નાગરિકોને ફોન કરીને મોટાપાયે છેતરપિંડી આચરીને ૩૦૦ મિલિયન ડોલર જેટલી રકમ પડાવી છે.
૨૦૧૩થી અત્યાર સુધીમાં આ લોકો દ્વારા ૧૫,૦૦૦ લોકોને છેતરવામાં આવ્યા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, ટ્રેઝરી, હોમલેન્ડ સિક્યોરિટી, યુએસ સિક્રેટ સર્વિસ અને પોલીસ અધિકારીઓને સાથે રાખીને આ કેસની તપાસ કરવામાં આવતાં આટલું મોટું કાંડ બહાર આવ્યું હતું.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ધ સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસ દ્વારા ૧૯ ઓક્ટોબરના રોજ ૬૧ લોકોને આ મુદ્દે દોષિત જાહેર કરાયા હતા.
દોષિત લોકોમાં ભારતના પાંચ કોલસેન્ટરના ૩૨ લોકો જ્યારે અમેરિકી ૯ રાજ્યોના ૨૪ લોકોનો સમાવેશ થાય છે. અમદાવાદ રહેતા કોલસેન્ટરના ઓપરેટર્સ અને માસ્ટરમાઈન્ડ દ્વારા લોકોને સરકારી વિભાગોમાંથી ફોન કર્યાનું જણાવીને લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા.