કેલિફોર્નિયાઃ ટેકક્રન્ચ દ્વારા કેલિફોર્નિયાના બર્કલેમાં યોજાયેલા એક ટેકનોલોજી કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટના સહસ્થાપક અબજોપતિ બિલ ગેટ્સે ફરી એક વખત ક્રિપ્ટો કરન્સીની આકરી ટીકા કરતાં કહ્યું કે તે લોકોને મૂર્ખ બનાવનાર થિયરી આધારિત નકલી ચલણ છે. એ ન તો લોન્ગ ટર્મ એસેટ ક્લાસ છે કે ન તો શોર્ટ ટર્મ એસેટ કલાસ. પોન્ઝી સ્કીમની જેમ નવા રોકાણકારોના પૈસા જૂના રોકાણકારોને નફા તરીકે ચૂકવવામાં આવતા રહે છે. ક્રિપ્ટોમાં રોકાણથી મોટા ફાયદાની વાતો કરીને નવા ગ્રાહકોને લલચાવવામાં આવે છે, જેથી એ લોકો પોતાના સગાં-સંબંધીઓને લલચાવીને રોકાણ કરવા લઈ આવે. ખરેખર એ કોઈ રોકાણ જ નથી. ગ્લોબલ ક્રિપ્ટો કરન્સી માર્કેટ કેપમાં છેલ્લા બે મહિનામાં 1 લાખ કરોડ ડોલર ઓછા થઈ ગયા છે અને છેલ્લા એક વર્ષમાં માર્કેટ કેપ 70 ટકા ઘટી ગઈ છે. એમાં મોટા ખેલાડીઓ ગમેત્યારે મોટી વધ-ઘટ કરી શકે છે. તેમાં અજાણ્યા રોકાણકારોનો ખો નીકળી જાય છે.