ટસ્કાલુસા, અલબામાઃ અનેક સ્થાનિક ક્લિનિક્સનો વહીવટ કરતા ક્રિમસન કેર નેટવર્કના સ્થાપક અને મેડિકલ ડાયરેક્ટર ડો. રમેશ બાબુ પેરામસેટ્ટીની 23 ઓગસ્ટે ગોળી મારી હત્યા કરાઈ હતી. મૂળ આંધ્ર પ્રદેશના તિરુપતિના ડો. પેરામસેટ્ટીને ઘટનાસ્થળ પર જ મૃત જાહેર કરાયા હતા. આ ઘટના અને ઈન્વેસ્ટિગેશનની વધુ જાણકારી જાહેર કરાઈ નથી. ભારતીય મીડિયા અનુસાર ડો. પેરામસેટ્ટી તેલુગુ દેશમ પાર્ટીના નેતા પેરામસેટ્ટી રામૈયાહના ભાઈ હતા.
લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવતા ડો. પેરામસેટ્ટી મેડિકલ કોમ્યુનિટીમાં પ્રખ્યાત હતા. કોવિડ-19 મહામારીના સમયગાળામાં સૌપહેલા તેમના ક્લિનિક્સ દ્વારા ટેસ્ટિંગ, વેક્સિનેશન્સ અને મોનોક્લોનલ એન્ટિબોડી સારવારો ઓફર કરાવા સાથે તેમની નોંધપાત્ર કદર કરાઈ હતી.
શ્રી વેંકટેશ્વરા મેડિકલ કોલેજમાંથી 1986માં ગ્રેજ્યુએટ થયેલા ડો. રમેશ બાબુ પેરામસેટ્ટી તેમની પાછળ તેમના પત્ની, બે પુત્ર નઅને બે પુત્રીને છોડતા ગયા છે. ક્રિમસન કેર નેટવર્ક દ્વારા લોકોના પ્રેમ અને લાગણીના ધોધ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ટસ્કાલુસા સિટી કાઉન્સિલના પ્રેસિડેન્ટ કિપ ટાયનેરે ડો. પેરામસેટ્ટીને પોતાના પ્રિય અને નિકટતમ મિત્રોમાં એક ગણાવી શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પેશન્ટ્સ અને કોમ્યુનિટી પ્રત્યે સમર્પણની પ્રશંસા કરી હતી. અગાઉ, તેમની સેવાની કદરરૂપે ટસ્કાલુસા સિટી દ્વારા એક સ્ટ્રીટને પેરામસિટી એવન્યુ નામકરણ કરાયું હતું.