વોશિંગ્ટનઃ અમેરિકાનાં પૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે રાત્રે જ્યોર્જિયા ખાતેનાં નિવાસસ્થાને 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમેરિકાનાં 39મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને 1977થી 1981 સુધી શાસનધુરા સંભાળી હતી. અમેરિકાનાં ઇતિહાસમાં તેઓ સૌથી મોટી ઉંમરે જીવિત રહેનાર પ્રમુખ હતા. કાર્ટર થોડા સમયથી મેલાનોમા નામે ઓળખાતા ત્વચાના કેન્સરથી પીડાતા હતા. આ કેન્સર તેમનાં લીવર અને મગજ સુધી પહોંચી ગયું હતું. 2023માં તેમને ઘરે જ સારવાર આપવા નિર્ણય લેવાયો હતો અને હોસ્પિટલ કેર શરૂ કરાઈ હતી. ઈજિપ્ત અને ઈઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવા બદલ 2002માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કાર્ટર પ્રમુખપદેથી નિવૃત્ત થયા બાદ કાર્ટર સેન્ટર નામની પોતાની સંસ્થા દ્વારા માનવતાનું અને સેવાનું કામ કરતા હતા.
ખેડૂત પરિવારનાં પુત્ર: જિમી કાર્ટરનો જન્મ 1 ઓક્ટોબર 2024ના રોજ જ્યોર્જિયામાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. 1960માં તેઓ રાજકારણમાં આવ્યા હતા 1971માં પહેલીવાર તેઓ પોતાનાં રાજ્યના ગવર્નર બન્યા હતા. આ પછી 6 વર્ષે જિમી કાર્ટરે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ જેરાલ્ડ ફોર્ડને હરાવીને પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. પોતાના કાર્યકાળમાં તેમણે શીતયુદ્ધની તંગદિલી, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ, જાતીય સમાનતા અને મહિલા અધિકારોને લગતા પડકારોનો સામનો કર્યો હતો. કાર્ટરના પુત્ર ચિપ કાર્ટરે કહ્યું હતું કે મારા પિતા જેઓ પ્રેમમાં વિશ્વાસ કરે છે તે લોકો માટે હીરો હતા.
જિમી કાર્ટર દૂરદર્શી નેતા હતાઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિમી કાર્ટરના અવસાન અંગે દુખ વ્યક્ત કરી કહ્યું કે તેઓ એક મહાન દુરદર્શી નેતા હતા. તેમણે વૈશ્વિક શાંતિ અને સદ્ભાવ માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવામાં તેમનો ફાળો અનન્ય હતો. તેઓ એક સ્થાયી વારસો છોડી ગયા છે. તેમના પરિવાર, મિત્રો અને અમેરિકાના લોકો તરફ મારી સંવેદના
છે. તેમણે જ ભારત-અમેરિકા સહયોગના નવા યુગની શરૂઆત કરી હતી. નોબેલ શાંતિ પારિતોષિક પણ તેમને વૈશ્વિક સદ્ભાવ માટે એનાયત કરાયું હતું.
કાર્ટરને ક્યારેય નહીં ભૂલે લોનાવાલાના ગરીબ પરિવારો
મુંબઈથી 80 કિમી દૂર લોનાવાલા નજીક સ્થિત પટાન ગામ માટે પૂર્વ યુએસ પમુખ જિમી કાર્ટર દેવદૂત સમાન હતા કેમ કે કાર્ટરે 2004માં આ ગામના 100 ગરીબ પરિવારોના ઘર બાંધવામાં મદદ કરી હતી. કાર્ટર અને તેમના પત્ની રોસલિને અંદાજે 2000 સ્વયંસેવકો સાથે મળીને ગામમાં આ પરિવારોના ઘરોનું નિર્માણ કર્યું હતું. સ્વયંસેવકોમાં હોલિવૂડ અભિનેતા બ્રાડ પિટ અને બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ પણ સામેલ હતા. ઘરોનું નિર્માણ એક - એનજીઓ દ્વારા કરાયું હતું. કાર્ટરે સુથારીકામની તેમની રિકલ્સનું યોગદાન આપવા સાથે એનજીઓની પ્રોફાઈલ વધારવા માટે ભંડોળ પણ એકઠું કર્યું હતું. કાર્ટર 1984થી દર વર્ષે એક અઠવાડિયા માટે પોતાના સમયનું અને સ્કિલ્સનું દાન કરતા હતા.
માતાએ પણ મુંબઇમાં સેવાકાર્ય કર્યું હતું
જિમી કાર્ટરે 1980માં રાષ્ટ્રપ્રમુખપદેથી નિવૃત્ત થયા બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની માતા લિલિયને 27 વર્ષની ઉમરે પીસ કોર્પ્સમાં જોડાઈને મુંબઈ નજીક વિક્રોલીમાં રક્તપિત્તના દર્દીઓની કોલોનીમાં કામ કર્યું.