વોશિંગ્ટનઃ દેશના સર્વોચ્ચપદ માટે ઉમેદવારી કરી રહેલા ભારતવંશી રિપબ્લિકન દાવેદાર અને લૂઇસિયાનાના ગવર્નર બોબિ જિંદાલ કહે છે કે, તેમના હરિફ ટૂંક સમયમાં જેલમાં જશે. જિંદાલે જણાવ્યું છે કે, ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન જેલથી ફક્ત એક ઇ-મેલ દૂર છે. જિંદાલે હિલેરી પર ખોટું સોગંદનામું કરવાનો આરોપ લગાવ્યો છે. બોબી જિંદાલે જણાવ્યું કે, ‘હિલેરી ક્લિન્ટન પહેલેથી જ એફબીઆઈની નજરમાં છે. હવે તેમણે ફેડરલ જજ સમક્ષ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં તેમણે પોતાના તમામ ઇ-મેલ આપવાની વાત કહી છે. જેનો અર્થ એ થયો કે, તેઓ હવે જેલથી ફક્ત એક ઇ-મેલ દૂર છે.’ હિલેરી ક્લિન્ટન પર આરોપ છે કે, જ્યારે તેઓ વિદેશ સેક્રેટરીપદે હતા ત્યારે તેમણે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં સરકારી કામકાજ માટે પોતાના અંગત ઇ-મેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જે સંઘીય નિયમોની વિરુદ્ધ છે.
હિલેરી ક્લિન્ટને પોતાનું ઈ-મેલ સર્વર સોંપ્યું
હિલેરીએ પોતાનું અંગત ઇ-મેલ સર્વર અમેરિકન ન્યાય મંત્રાલયને સોંપ્યું હતું. હિલેરીના પ્રવક્તા મેરિલે જણાવ્યું હતું કે, અંગત પત્રાચાર સહિતનું ફ્લેશ કાર્ડ ન્યાય મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હિલેરીના વકીલે ત્રણ ફ્લેશ કાર્ડ એફબીઆઈને આપ્યા છે.