આ કંપનીએ બાદમાં બિયરનાં ટીન પર ગાંધીજીનો ફોટો મૂકવા માટે માફી માગી હતી. અમેરિકામાં રહેતા ભારતીયોમાં પણ આ બાબતે રોષ જોવા મળ્યો હતો. અમેરિકાની કંપનીએ માફી માગ્યા બાદ એવો દાવો કર્યો હતો કે તે બિયરના ટીન પર ગાંધીજીનો ફોટો છાપીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માગતી હતી, તે ઉપરાંત ગાંધીજીના પૌત્ર અને પૌત્રીએ બિયરનું આ લેબલ જોઈને ખૂબ જ પસંદ કર્યું હતું. કંપનીના હેડ બ્રુઅર અને પાર્ટનર મૈટ વેસ્ટ ફોલે જણાવ્યું હતું કે જો આ લેબલથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
આ કંપનીએ જણાવ્યું કે અમે મહાત્મા ગાંધીના વિચારોનો આદર કરીએ છીએ તેમજ અમને એવી આશા છે કે આ પ્રોડક્ટને લોન્ચ કરવા પાછળના અમારા સાચા ઈરાદાને લોકો સમજશે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના એક વકીલ જનાર્દન રેડ્ડીએ બિયરનાં ટીન પર મહાત્મા ગાંધીનાં લેબલને લઈને અમેરિકાની આ કંપની વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક અપીલ દાખલ કરી છે. રેડ્ડીએ પોતાની અપીલમાં કંપનીની આ હરકતને અપરાધ ગણાવ્યો છે તેમજ તેને મહાત્મા ગાંધીનું અપમાન થયું હોવાનું જણાવ્યું છે. બિયર બનાવતી કંપનીએ પોતાની પ્રોડક્ટને ગાંધી બોટ નામ આપ્યું હતું. કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે ગાંધીજીના વિચારોનો પણ ઉપયોગ કર્યો હતો.