નવી દિલ્હીઃ હાર્વડ યુનિવર્સિટીના ભારતીય પ્રોફેસર ગીતા ગોપીનાથની આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓ મોરી ઓબ્સ્ટફેલ્ડનું સ્થાન લેશે. મોરી ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સ પર સંશોધન કર્યુ છે. આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિશ્ચન લેગાર્ડે નિમણૂક બદલ ગોપીનાથને અભિનંદન પાઠવ્યા છે. લેગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગીતા ગોપીનાથ એક નામાંકિત અર્થશાસ્ત્રી છે. આવી વ્યકિતને આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ બનાવવા બદલ ગર્વની લાગણી અનુભવું છું.
આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગોપીનાથ જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. તે યુએસ સિટિઝન અને ઓવરસિઝ સિટિઝન ઓફ ઇન્ડિયા છે. તેમણે ૨૦૦૧માં પ્રિન્સેટોન યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી.
તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે એમએ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી કર્યુ હતું.
૨૦૧૪માં ૪૫ વર્ષથી ઓછી ઉમરના ટોચના ૨૫ અર્થશાસ્ત્રીઓની જારી કરાયેલી યાદીમાં ગીતા ગોપીનાથનું પણ નામ હતું.