ન્યૂ યોર્કઃ કરોડો ડોલરનું કોલ સેન્ટર કૌભાંડ આચરવાના આરોપ હેઠળ સિંગાપોરમાં ગુજરાતી હિતેશ પટેલની ધરપકડ કરાઈ હતી. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી થઈ હોવાથી અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માગણી કરી હતી. આખરે સિંગાપોરે તેને અમેરિકાના હવાલે કર્યો હતો. ગુજરાતી હિતેશ પટેલ સામે કોલ સેન્ટરના માધ્યમથી કરોડોની છેતરપિંડીનો આરોપ હતો, ૨૦૧૬માં કૌભાંડનો આરોપ લાગ્યો તે પછી હિતેશ સિંગાપોર ભાગી ગયો હતો. અમેરિકન નાગરિકો સાથે કરોડો ડોલરની છેતરપિંડી થઈ હોવાથી અમેરિકાના ન્યાય વિભાગે સિંગાપોરને હિતેશના પ્રત્યાર્પણની માગણી કરી હતી.
સિંગાપોરના કાયદા પ્રધાને ગત મહિને હિતેશ પટેલની ધરપકડનો આદેશ કર્યો હતો. તે પછી હવે પ્રક્રિયાના અંતે આ ગુજરાતી આરોપીને સિંગાપોરે અમેરિકાને સોંપ્યો હતો.
અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસંખ્ય ગ્રાહકોને છેતરવાના ગુનામાં તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે. હિતેશ પટેલને હ્યુસ્ટનની કોર્ટમાં રજૂ કરાશે અને તેની ભારતમાં રહીને કરોડો ડોલરનું કોલ સેન્ટર કૌભાંડ કર્યું તેની તપાસ થશે.