ન્યૂ યોર્કઃ નાની પરંતુ જાહેર વેપારની એક કંપની માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે એક હેજ ફંડ મેનેજર બનેલા જાસૂસના હાથે લાંચ આપવામાં સંડોવાયેલ એક ગુજરાતી અમેરિકામાં દોષિત જાહેર થયો છે. વાયર ફ્રોડમાં નવ કાઉન્ટસ અંગે ચાલેલી પાંચ દિવસની સુનાવણીમાં કોર્ટે કેલિફોર્નિયાના ૪૧ વર્ષના બિઝનેસ કન્સલટન્ટ સંદીપ શાહને દોષિત જાહેર કર્યો હતો. તેની સામે મે ૨૦૧૪માં ગુનો દાખલ થયો હતો અને હવે તેને ઓગસ્ટમાં સજા જાહેર થશે.
ત્રણ કંપનીઓમાં સ્ટોક ખરીદવા માટે ફંડમાંથી નાણાં લાવવા માટે શાહને કન્સલ્ટન્ટ તરીકે રોકવામાં આવ્યો હતો અને એક રોકાણ કંપનીના પ્રતિનિધિને લાંચ આપવામાં એની સંડોવણી હતી. મેનેજરે ફંડના નાણાંનો ઉપયોગ કરવા માટે સમંતી આપી હતી. લાંચની રકમને કન્સલટીંગ કરાર અને અન્ય બનાવટી દસ્તાવેજો દ્વારા છુપાવવામાં આવી હતી. શાહ અને કંપની અધિકારીને ખબર જ નહતી કે કહેવાતો ઇનવેસ્ટમેન્ટ મેનેજર ખરેખર તો એફબીઆઇનો એજન્ટ હતો.