વોશિંગ્ટનઃ શલભકુમાર, નિકી હેલી અને પ્રીત ભરારા બાદ હવે નવા અમરેકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્ત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ભારતીય મૂળના રાજ શાહને વ્હાઇટ હાઉસમાં કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ ડાયરેક્ટરના ડેપ્યુટી તરીકે નિયુક્તિ કરી છે.
રાજ હાલમાં રિપબ્લિકન નેશનલ કમિટીમાં રિસર્ચ ડાયરેક્ટર છે. ૩૦ વર્ષના રાજ શાહ ચૂંટણી દરમિયાન ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સાથે જોડાયેલી રિસર્ચ કરતી નિષ્ણાતોની ટીમનું નેતૃત્વ કરતા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન હિલેરીની વિરુદ્ધ જે કોઇ ઝુંબેશ ચાલી તેની પાછળ શાહનું ભેજું કામ કરતું હતું. પાંચમીએ તેમની નિયુક્તિની ટ્રમ્પે જાહેરાત કરી હતી. હવે શાહ વ્હાઇટ હાઉસમાં કામ કરશે. વ્હાઇટ હાઉસના ભાવિ ચીફ ઓફ સ્ટાફ રાઇસ પ્રિબસે જણાવ્યું હતું કે શાહ વ્હાઇટ હાઉસની એ ખાસ લોકોની ટીમમાં હશે, જેઓ રાષ્ટ્રપતિને અમેરિકાની છબી સુધારવા માટે સલાહ આપશે.
રાજ શાહની ઓળખ
રાજ શાહના માતા-પિતા ગુજરાતી છે. તેમના પિતા ૧૯૭૦માં અભ્યાસ માટે અમેરિકા આવ્યા હતા અને પછી પાછા જતા રહ્યા હતા. પરંતુ લગ્ન પછી તેઓ પાછા અમેરિકા આવી ગયા હતા અને અહીં જ વસી ગયા હતા. પહેલાં શિકાગોમાં રહ્યા બાદ પાછળથી તેઓ કાનિક્ટિક્ટ સ્થાયી થયા હતા, જ્યાં રાજનો જન્મ થયો હતો. કાર્નવેલ યુનિવર્સિટીમાંથી રાજ સ્નાતક થયા હતા. તેઓ જ્યોર્જ બુશના કાળમાં પણ વ્હાઇટ હાઉસમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે.