સાન હોઝેઃ ગત ૨૧ ફેબ્રુઆરીએ એન્ડરસન જળાશયના સ્પીલવેમાં ભંગાણ પડતા કોયોટો ખાડીમાં જળસપાટી વધવાથી આવેલા ભારે પૂરને લીધે કેલિફોર્નિયાના સાન હોઝે અને તેની આસપાસના વિસ્તારોના લગભગ ૫૦ હજારથી વધુ રહીશોને સ્થળાંતર કરાવાયું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘણાં વિસ્તારોમાં ચાર ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા હતા. સાન હોઝેના ગુરુદ્વારા તેમજ સ્વૈચ્છિક સંસ્થા ‘કોમ્યુનિટી સેવા’ના યુવા વોલન્ટિયર્સે પૂરપીડિતો માટે તત્કાળ રાહત કામગીરી શરૂ કરી હતી.
સાન હોઝે ગુરુદ્વારાના ટ્રેઝરર સોહન ધાનોતાએ કહ્યું કે, જેમ્સ લીક હાઈસ્કૂલમાં આશ્રય લઈ રહેલા પીડિતો માટે ગુરુદ્વારાના વોલન્ટિયર્સે પોતાના ૩ હજાર ડોલર કાઢીને બ્લેન્કેટ અને ચીલ્ડ્રનવેર મોકલ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ગુરુદ્વારામાં ૫૦૦ લોકોને રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડી શકે તેમ છે. તેમને જેટલો સમય જરૂર હોય ત્યાં સુધી તેમને આ સુવિધા અપાશે. ‘કોમ્યુનિટી સેવા’ સંસ્થાના ભારતીય અમેરિકી સમાજસેવક નાથન ગણેશને જણાવ્યું હતું કે બ્લેન્કેટ, ગ્લવ્સ, બેની હેટ, સેફ્ટી કીટ, રેઈન કોટ તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથેના એક હજાર બેકપેક્સ પીડિતોને આપવાનો ઉદેશ છે.
કેટલાંક લોકોના ઘરોમાં સુએજના પાણી ભરાઈ ગયા હોવાથી જ્યાં સુધી તે સંપૂર્ણ સાફ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના ઘરે પાછા ફરી શકશે નહીં. સિટી ઓફ સાન હોઝે અને અમેરિકન રેડક્રોસના વોલન્ટિયર્સ પણ રાહત કામગીરીમાં મદદ માટે ‘કોમ્યુનિટી સેવા’ ગયા હતા. ઈમરજન્સીમાં શહેરના બે સૌથી મોટા આશ્રયસ્થાન જેમ્સ લીક હાઈસ્કૂલ અને એવરગ્રીન હાઈસ્કૂલ ખાતે સંસ્થા દ્વારા ૧૬૦ બેકપેક્સ મોકલી દેવાયા હતા.