નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ ભારતીય રોટલી બનાવતા જોવા મળી રહ્યા છે. બિલિયોનેર ગેટ્સ કહે છે કે તેમણે શેફ ઈટન બર્નાથ પાસેથી બિહારી સ્ટાઈલમાં રોટલી બનાવવાનું શીખ્યું છે. ઉલ્લેખનીય છે કે શેફ ઈટન તાજેતરમાં બિહારની મુલાકાત દરમિયાન રોટલી બનાવતા શીખ્યા હતા.
શેફે જ્યારે બિલ ગેટ્સનો રોટલી બનાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર ગેટ્સના વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરતા મોદીએ લખ્યું કે, ‘શાનદાર, તમે ખૂબ જ સારી રોટલી બનાવી છે.’
વડા પ્રધાન મોદીએ બિલ ગેટ્સને મકાઈ, બાજરીની વાનગી બનાવવાનું પણ સૂચન કર્યું હતું. વડા પ્રધાને વખાણ કરતા કહ્યું કે, તમારે બાજરીની વાનગીઓ બનાવવા પર પણ હાથ અજમાવવો જોઈએ. ભારતમાં હાલના દિવસોમાં બાજરીના વ્યંજનો ખૂબ ચર્ચામાં છે, જે લોકોને સ્વસ્થ રાખવા માટે પણ જાણીતા છે. મોદી તેની સાથે સ્માઈલી ઈમોજી પણ મૂકી હતી.
વીડિયોમાં બિલ ગેટ્સ જાતે જ લોટ બાંધતા દેખાય છે, એટલું જ નહીં તાવડી પર રોટલી શેક્તા પણ જોવા મળે છે. ગેટ્સ આ કામ કરવા બદલ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. રોટલી તૈયાર થઈ ગયા બાદ તેમણે અને શેફ ઈટન બર્નાથે રોટલીને ઘી સાથે આરોગીને સ્વાદ માણ્યો હતો અને ભારતીય રોટલીના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન શેફ બર્નાથે જણાવ્યું કે પોતે તાજેતરની ભારત મુલાકાત દરમિયાન રોટલી બનાવતા શીખ્યું છે.
બિલ ગેટ્સનો રોટલી બનાવતો વીડિયો નિહાળવા યુટ્યુબમાં સર્ચ કરો આ લિન્કઃ https://bit.ly/3I1gunW