ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી રહેવાનો પરવાનો નથીઃ ઉપપ્રમુખ વેન્સ

Monday 17th March 2025 12:54 EDT
 
 

વોશિંગ્ટનઃ ગ્રીનકાર્ડ હોલ્ડર્સ કાયમ માટે અમેરિકામાં રહી શકે નહીં. ગ્રીનકાર્ડ હોવાનો અર્થ એ નથી કે કોઈપણને જીવનભર અમેરિકામાં રહેવાનો અધિકાર મળી ગયો છે ઉપપ્રમુખ જે.ડી. વેન્સે તેવી ટિપ્પણી કરતાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સના ભાવિ સામે અનિશ્ચિતતા સર્જાઇ છે. અમેરિકાના ઉપપ્રમુખએ કહ્યું છે કે સરકાર પાસે ગ્રીનકાર્ડ હોલ્ડર્સને કાઢી મૂકવાનો અધિકાર છે.
ગ્રીન કાર્ડ કાયદાકીય રીતે સ્થાયી નિવાસી કાર્ડ તરીકે ઓળખાય છે. એનાથી અમેરિકામાં કાયમી રીતે રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે, શરત એટલી કે વ્યક્તિ એવા ગુનામાં સામેલ ન હોય જેનાથી ઈમિગ્રેશન કાયદાનો ભંગ થતો હોય.
અમેરિકામાં ગ્રીન કાર્ડ રાખનાર લોકોમાં મેક્સિકો પછી ભારતીયો બીજા ક્રમે છે. 2007થી 2022 સુધી 7.16 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું હતું. આ ઉપરાંત 12 લાખથી વધુ પ્રવાસીઓ ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ગ્રીન કાર્ડ મળ્યાના 3થી 5 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ અમેરિકાની કાયમી નાગરિકતા માટે અરજી કરી શકે છે.
એક મીડિયા અહેવાલ મુજબ જેડી વેન્સનું આ નિવેદન ગ્રીનકાર્ડ હોલ્ડર્સની ચિંતા વધારી શકે છે. કેમ કે આ નિવેદન મુજબ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને અચાનક અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. કેટલાય વર્ષોથી અમેરિકામાં રહીને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરનાર પ્રવાસીઓમાં આ નિવેદનને લઈને ભય ફેલાઈ શકે છે કે રાજકીય નિર્ણયોથી તેમના સ્થાયી નિવાસ પર અસર પડી શકે છે. ઉપપ્રમુખ વેન્સની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ‘ગોલ્ડ કાર્ડ’ નામથી વીઝા પ્રોગ્રામને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ પ્રોગ્રામ અંતર્ગત વિદેશ નાગરિક પાંચ મિલિયન ડોલર એટલે લગભગ 44 કરોડ રૂપિયા આપીને અમેરિકાનું નાગરિકત્વ મેળવી શકે છે.
ભારતીયો પર કેવી અસર થશે?
ઉપપ્રમુખ વેન્સનું નિવેદન ખૂબ વિવાદિત છે. આનાથી જે ભારતીયો અમેરિકાનું નાગરિકત્વ લેવા માટે ઈબી-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા, તેમના માટે ટ્રમ્પ વીઝા પ્રોગ્રામ ખૂબ મોંઘો પડી શકે છે. ઈબી-5 કાર્યક્રમ ખતમ કરવાથી લાંબા ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા સ્કિલ્ડ ભારતીય પ્રોફેશનલ્સને પણ નુકસાન થઈ શકે છે. ભારતીય અરજદારોને પહેલાથી જ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ કેટેગરી અંતર્ગત દાયકાઓ સુધી રાહ જોવી પડે છે. ગોલ્ડ કાર્ડની શરૂઆતની સાથે ઈમિગ્રેશન સિસ્ટમ એ લોકો માટે પણ પડકારજનક બની શકે છે જે ભારે કિંમત ચૂકવી શકતા નથી.​​​​​​​​​​​​​​


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter