વોશિંગ્ટનઃ અમેરિકી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ જાહેર કર્યું છે કે ચંદ્ર પર આપણી ધારણા કરતાં વધારે પાણી છે. આ જળભંડાર એટલો વધારે છે કે ભવિષ્યમાં અવકાશયાત્રીઓ ચંદ્ર પર જશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે. અલબત્ત, આ પાણી ધરતી પર હોય એમ પ્રવાહી સ્વરૂપે નથી, પરંતુ ચંદ્રની માટીમાં બરફના કણો સ્વરૂપે સંગ્રહિત છે.
ચંદ્ર પર પાણી છે એ તો સૌ પ્રથમવાર ભારતના ચંદ્રયાને ૨૦૦૯માં જ સાબિત કરી આપ્યું હતું. પરંતુ હવે ‘નાસા’ના ‘સ્ટ્રેટોસ્ફિક ઓબ્ઝર્વેટરી ફોર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમી’ (સોફિયા) ટેલિસ્કોપ દ્વારા પાણીના જથ્થા અંગે નવી ખોજ કરવામાં આવી છે. ‘નાસા’ના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે ચંદ્ર પર ધારણા કરતાં ક્યાંય વધારે પાણી મળ્યું છે, જેનો ભવિષ્યમાં ઉપયોગ કરવો અશક્ય નથી. આ પાણી કણ સ્વરૂપે છે અને શક્ય છે કે જમીનમાં વધારે ઊંડા ઉતરીએ તેમ વધારે કણો પણ મળી આવે. દરમિયાન બીજી ટીમે ચંદ્ર પર ૪૦ હજાર ચોરસ કિલોમીટરનો એવો વિસ્તાર શોધી કાઢ્યો છે, જ્યાં કાયમી ધોરણે અંધકાર રહે છે. અંધકારનો અર્થ એવો થયો કે જમીનમાં બરફ - પાણીના કણો વધારે હોઈ શકે કેમ કે સૂર્યના કિરણો આવે તો સપાટી પર રહેલું પાણી બાષ્પ બની ઉડી જઈ શકે. ચંદ્રનો અંધકારયુક્ત ભાગ છે, ત્યાં તાપમાન માઈનસ ૧૬૩ ડિગ્રી સુધી નીચું નોંધાય છે.
‘નાસા’એ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ચંદ્ર પર પાણી છે એમ કહીએ ત્યારે લોકો એવુ ધારી બેસે કે ધરતીની જેમ વહેતું પાણી હશે, પણ એવું નથી. આ પાણી અલગ સ્વરૂપે છે, છતાં ઉપયોગી તો છે જ. ચંદ્ર પર પાણી હોવા અંગે વિવિધ બે સંશોધન પત્રો રજૂ થયા છે, જેના આધારે ‘નાસા’એ આ દાવો કર્યો હતો. ‘નાસા’એ સરખામણી રજૂ કરતા કહ્યું હતું કે સહારાના રણની જમીનમાં પાણી છે, તેના કરતા ચંદ્ર પર ૧૦૦માં ભાગનું પાણી છે, પણ પાણી છે ખરું.