વોશિંગ્ટન: ચંદ્રના અત્યંત ઠંડા અને પ્રકાશવિહોણા ધ્રુવીય વિસ્તારોમાં બરફ હોવાની નાસાએ જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, નાસાએ આ દાવો ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ મોકલેલી માહિતીના આધારે કર્યો છે. ઈસરોએ દસ વર્ષ પહેલાં ચંદ્રયાન-૧ને અવકાશમાં મોકલ્યું હતું.
પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ નામની જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ચંદ્રની ધરતી પર અમુક મિલિમીટર સુધી બરફ છે અને નીચે પાણી છે. ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહતો વસાવવાના અભિયાનો શરૂ કરવામાં આવે તો આ પાણીનો ઉપયોગ શક્ય છે. ચંદ્રની સપાટી પરથી મળેલા બરફ પરથી ચંદ્રના પાતાળમાં પણ પાણી હોવાની શક્યતા વધી જાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી મળેલો મોટા ભાગનો બરફ મોટા ખાડામાં એક જગ્યાએ ભેગો થયેલો છે.