ચંદ્રની સપાટી પર રહી ગયેલા કચરા સહિતના પદાર્થોને સંશોધન માટે પૃથ્વી પર લવાશે

Friday 19th April 2019 08:50 EDT
 
 

વોશિંગ્ટનઃ સન ૧૯૬૯માં અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો, માનવ ઇતિહાસની આ રોચક ઘટના સર્જીને નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી એસ્ટ્રોનોટ્સ પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ મૂન મિશન દરમિયાન મળમૂત્ર તેમજ અન્ય કેટલોક કચરો ચંદ્ર પર રહી ગયો હતો.
આમ તો મળમૂત્ર સ્પેસમાં છોડવા ન પડે તે માટે ‘નાસા’એ અંતરિક્ષયાત્રીઓના ખાસ પ્રકારના કપડાં તૈયાર કરીને તેમાં ડાયપરની વ્યવસ્થા ગોઠવી હતી. જોકે ચંદ્ર પર થોડાક દિવસ રોકાયેલા અંતરિક્ષયાત્રીઓએ પૃથ્વી પર પરત ફરતી વખતે તેમને મજબૂરીથી મળમૂત્ર સહિતના કચરાની ૯૬ થેલીઓ ચંદ્રની સપાટી પર છોડવી પડી હતી. ચંદ્ર પરની માટી અને પથ્થરોને પુરાવા સ્વરૂપે પૃથ્વી પર લાવવામાં વજન વધી જતું હતું. સ્પેસક્રાફટની ડિઝાઇન જ એ રીતે તૈયાર કરાઇ હતી કે ચોકકસ વજન જ લોડ કરી શકતું હતું. થોડુંક પણ વજન વધી જાય તો અવકાશયાત્રીના જીવને ખતરો હતો.
જોકે ૫૦ વર્ષ પહેલા મળ તથા કચરાની ચંદ્ર પર રહી ગયેલી આ થેલીઓ હવે વૈજ્ઞાનિકોના સંશોધનનો વિષય બની શકે છે.
અમેરિકાએ આવનારા પાંચ વર્ષમાં ચંદ્ર પર જવાની યોજનાને અમલમાં મૂકવાનું નકકી કર્યું છે. ૫૦ વર્ષ પહેલાના સમાનવ ચંદ્ર અભિયાન દરમિયાન ચંદ્રની સપાટી પર રહેલી મળની થેલીઓ ધરતી પર લાવવાનો હેતુ ચંદ્ર પર જીવન અંગે સંશોધન કરવાનો છે.

ગંદકી જણાવશે ચંદ્ર પર જીવનનું રહસ્ય

ચંદ્રનું સપાટીનું તાપમાન માઇનસ ૧૭૦થી ૧૫૬ ડિગ્રી સુધીનું હોય છે. માનવમળના અવશેષોમાં ૫૦ ટકાથી વધારે બેકટેરિયા હોય છે. ૧૦૦થી પણ વધુ જીવાણુઓની જાતો આંતરડામાં હોય છે. વૈજ્ઞાનિકો આ ગંદકી પર રિસર્ચ કરીને બેકટેરિયા વિશે જાણવા ઇચ્છે છે. આ ગંદકી વડે જ અંતરિક્ષમાં જીવન કેટલું શકય છે તે જાણવા મળી શકે તેમ છે. ખાસ કરીને આ મળમાં હજુ બેકટરિયા છે કે નહીં, બેકટેરિયા જો હયાત છે તો તે સક્રિય છે કે નિષ્ક્રિય છે? શું બેકટેરિયાને ભેજ અને સ્થાયી તાપમાનની જરૂર પડે છે કે નહીં? તેના પર વૈજ્ઞાનિકો સંશોધન કરશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તમામ બેકટેરિયાનો નાશ થઇ ગયો હશે તો અંતરિક્ષમાં જીવનનું રહસ્ય જાણવામાં આ બાબતનું સંશોધન પણ મહત્ત્વનું સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter