સોમવારે બન્ને દેશના વડાઓએ દોઢ કલાક લાંબી ડીનર બેઠક બાદ ‘ચલે સાથ સાથ’ના ટાઇટલ સાથે જોઇન્ટ વિઝન સ્ટેટમેન્ટ જારી કર્યું હતું. જેમાં અમેરિકા-ભારત વચ્ચે ક્યા ક્યા ક્ષેત્રે સહકાર સાધી શકાય તેમ છે તેની આશા-અપેક્ષાઓની રૂપરેખા રજૂ કરાઇ હતી. જ્યારે બીજા દિવસે બન્ને નેતાઓએ શિખર મંત્રણા યોજીને અનેકવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને દેશોના મતે ભારત-અમેરિકા સંબંધ વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ છે.
‘કેમ છો પ્રાઇમ મિનિસ્ટર?’
યજમાન પ્રમુખ ઓબામાએ મહેમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતીમાં ‘કેમ છો, પ્રાઇમ મિનિસ્ટર?’ કહીને વ્હાઇટ હાઉસમાં આવકાર્યા હતા. જવાબમાં મોદીએ અંગ્રેજીમાં કહ્યું હતું, ‘ખૂબ ખૂબ આભાર, રાષ્ટ્રપતિ મહોદય.’
વિઝન સ્ટેટમેન્ટઃ સાત મુદ્દા
સોમવારની બેઠક બાદ પ્રમુખ ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ચલે સાથ સાથ’ નામથી એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. જેમાં સાત મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા.
• બન્ને લોકતાંત્રિક દેશો વચ્ચેનો સહયોગ માત્ર એકબીજા માટે જ નહીં, પણ દુનિયાના લાભ માટે પણ જરૂરી છે. • બન્ને દેશો વચ્ચેની ભાગીદારી સમૃદ્ધિ અને શાંતિ માટેની છે. જે અંતર્ગત સંયુક્ત અભ્યાસ, ટેક્નોલોજીનું આદાન-પ્રદાન, સુરક્ષા સહયોગ, સામૂહિક સંહારના શસ્ત્રોનો પ્રસાર અટકાવવો, અણુશસ્ત્રો ઘટાડવા જેવા પગલાં ઉઠાવાશે. • બન્ને દેશો વચ્ચે મુક્ત અને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને સમર્થન આપશે, જેમાં યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો પણ સામેલ હશે. • જળ-વાયુ પરિવર્તનથી બન્ને દેશો પર જોખમ છે, અને તેનો સામનો સાથે મળીને કરાશે. • આર્થિક વિકાસ એવો હાંસલ કરવો જેના પરિણામે સૌથી ગરીબોને પણ તક મળે.
• અંતરિક્ષના ક્ષેત્રમાં સંયુક્ત સંશોધન અને ભાગીદારીની જરૂરત. • બન્ને દેશો વચ્ચે એવી ભાગીદારી સ્થાપવી ૨૧મી સદીમાં સમગ્ર વિશ્વ માટે આદર્શ બની રહે.
ભારત મુક્ત વિચાર ધરાવે છે
સોમવારે સવારે વડા પ્રધાન મોદીએ અમેરિકાના ટોચના ઉદ્યોગ ગૃહોના સીઈઓ સાથે બ્રેકફાસ્ટ મિટીંગ યોજી હતી. ન્યૂ યોર્કમાં થયેલી બ્રેકફાસ્ટ બેઠક દરમિયાન મોદીએ આ કંપનીઓને ભારતમાં વધુ રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત મુક્ત વિચાર ધરાવતો દેશ છે. અમે પરિવર્તનમાં માનીએ છીએ અને પરિવર્તન ક્યારેય એક પક્ષે હોતું નથી કે થતું નથી.
આ બ્રેકફાસ્ટ મિટીંગમાં ગૂગલના કાર્યકારી અધ્યક્ષ એરિક ઈ. સ્મિટ, પેપ્સિકોના ચેરમેન ઇન્દ્રા નૂયી, કાર્લાઇલ ગ્રૂપના સહસ્થાપક ડેવિડ એમ. રૂબેનસ્ટિન, કાર્ગિલ પ્રેસિડેન્ટ તેમ જ સીઈઓ બેવિડ ડબ્લ્યુ મેકલૈનન, મેરક એન્ડ કંપનીના સીઈઓ કેનેથ સી. ફ્રેજિયર, વારબર્ગ પિનકસના ચાર્લ્સ કાએ, હોસ્પિરાના ચેરમેન જોન સ્ટેનલી, સિટી ગ્રૂપના સીઇઓ માઇકલ એલ. કોર્બોટ, કેટપ પિલરના ચેરમેન અને સીઇઓ ડગ ઓબરહેલ્મેન, એઇએસના એન્ડ્રેસ ગ્લૂસ્કી પણ સામેલ થયા હતા. આ ઉપરાંત મોદીએ છ અધિકારીઓની સાથે પણ મુલાકાત લીધી હતી.
યુએસની મલ્ટિનેશનલ કંપની બ્લેક રોકે મોદીની અપીલના પ્રતિભાવમાં ૨૦૧૫ના પ્રારંભે ભારતમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ હોસ્ટ કરવાની જાહેરાત કરી હતી. મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી અને ડિજીટલ ઇંડિયા અંગે આઇબીએમના પ્રથમ મહિલા સીઇઓ વર્જિનિયા રોમૈટી સાથે ચર્ચા કરી હતી. વિશ્વમાં સૌથી મોટાં પ્લેન બનાવતી કંપની બોઈંગના સીઈઓએ મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતમાં રોકાણ કરવા અંગે તત્પરતા દર્શાવી હતી.
ઓબામા - મોદીનું સંયુક્ત નિવેદન
• ભારતમાં અમે નીતિઓ અને પ્રક્રિયાને બદલવા કટિબદ્ધ છીએ. ભારતમાં આર્થિક પ્રસંગો ઝડપથી વધી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં ઝડપથી વિકાસ થશે. • અમે બંને અસૈનિક પરમાણુ સહયોગને આગળ વધારવા અને તેનાથી સંકળાયેલા મુદ્દાઓનું ઝડપથી સમાધાન કરવા પ્રતિબદ્ધ છીએ. આ ભારતની ઊર્જા માટે ખૂબ જ જરૂરી છે.
• વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ ઓબામાને એવા ઝડપથી પગલાં લેવા કહ્યું છે જેનાથી ભારતની સર્વીસ કંપનીઓ અમેરિકામાં સરળતાથી પહોંચી શકે. • ભારત ટ્રેડ ફેસિલિટેશનનું સમર્થન કરે છે પરંતુ ભારતની એ પણ અપેક્ષા છે કે એવું સમાધાન નીકળે જે અમારી ચિંતા પણ દૂર કરે. • અમે નક્કી કર્યું છે કે ચર્ચા અને સહયોગ વધારીશું. અમે આતંકવાદના પડકારો પર વિસ્તૃત વિમર્શ કર્યો છે. આતંકવાદને રોકવા અને ગુપ્ત સહયોગ વધારવા માટે પણ સહમતિ વ્યક્ત કરી છે.
• અમે અફઘાનિસ્તાનને મદદ યથાવત રાખવા પણ ચર્ચા કરી છે. • અમે ઇબોલા સંકટ પર ચર્ચા કરી છે. • વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું અમેરિકન સંરક્ષણ કંપનીઓને ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આમંત્રણ આપું છું. • મેં રાષ્ટ્રપતિ ઓબામા અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. • હું અમેરિકા અને અમેરિકાવાસી ભારતીયોના ઉત્સાહ અને સ્વાગત માટે ધન્યવાદ આપું છું.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘ભારત અને અમેરિકા મળીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની અને હક્કાની નેટવર્કને મળનારી આર્થિક અને કૂટનીતિક મદદ રોકવા માટે કામ કરશે.’