વાનકુંવરઃ ચંક નામના કાગડાએ કેનેડાના વાનકુંવર શહેરમાં ત્રાસ મચાવ્યો છે. શહેરમાં સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતો આ કાગડો અત્યારે શહેરની પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. કેમ કે થોડા દિવસ પહેલાં પોલીસે એક ગુનેગારને ગોળી મારી હતી. એ ગુનેગાર પાસે ચાકુ હતું. પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં કાગડો ચંક ચાકુ લઈને ભાગી ગયો હતો. પરિણામે પોલીસ એ ચાકુ શોધી રહી છે.
ચંક વાનકુંવરનું સૌથી તોફાની પક્ષી છે. અગાઉ આવા ઘણા પરાક્રમો કરી ચૂકેલા આ કાગડાને બીજાથી અલગ પાડવા તેના પગમાં લાલ રીંગ પહેરાવી દેવાઈ છે. તેના ચાહકો પણ ઘણા છે. આ ચાહકોએ મળીને તેનું ફેસબુક પેજ બનાવ્યું છે. જેમાં ચંકની વિવિધ પ્રવૃત્તિઓની અપડેટ થતી રહે છે. આ ફેસબુકના પેજના ૨૫ હજારથી વધારે ફોલોઅર્સ છે.
પોલીસે જણાવ્યું હતું કે, અમને પણ આ કાગડો ગમે છે, પણ હવે એ હત્યાકાંડના સ્થળેથી ચાકુ લઈને જતો રહ્યો છે. એ અમારા માટે મહત્ત્વનો પુરાવો છે માટે ચાકુ તો શોધવું જ પડશે. ચળકતી વસ્તુઓ પ્રત્યે કાગડા આકર્ષાતા હોય છે. ચાકુ કે અન્ય એવી ચળકતી ચીજો નિયમિત રીતે ઉઠાવતાં રહે છે.