ચાંગાઃ ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ૧૦મી માર્ચે ચાંગાની ચારૂસેટ હોસ્પિટલમાં ‘સૂર્યકાંતભાઈ છગનભાઈ પટેલ એક્સિડેન્ટ એન્ડ ઈમરજન્સી સર્વિસિસ’ના નામાભિધાન તથા દાતા લીલાબા પટેલને દાન ભાસ્કર એવાર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લીલાબાના હસ્તે જ આ સર્વિસિસ માટેની તકતીનું અનાવરણ કરાયું હતું.
લીલાબા (બાંધણી, નૌરોબી, યુએસ) દ્વારા હોસ્પિટલને રૂ. ૮ કરોડનું દાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે લીલાબાનાં અમેરિકા સ્થિત પુત્રી રન્નાબહેન અને જમાઈ ડો. મહીપ ગોયલ, પૌત્ર-પૌત્રી, લીલાબાના દિયર ડો. યશવંત પટેલ, પરિવારજનો અને સગાં-સ્નેહીઓ ઉપસ્થિત હતાં.
આ પરિવાર દ્વારા સમારોહમાં દીપપ્રાગટ્ય પણ કરાયું હતું. પ્રસંગે સી.એચ.આર.એફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સી.એચ.આર.એફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો. પરંપરા અનુસાર કાર્યક્રમમાં સન્માનપુષ્પ અને દાન ભાસ્કર પુરસ્કાર એનાયત કરાયા હતા. સંસ્થાના મંત્રી ડો. એમ. સી. પટેલે લીલાબાનું પુષ્પગુચ્છથી અને માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીન પટેલે લીલાબાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
નગીનભાઈ પટેલે કહ્યું હતું કે, ચરોતરના ૩૫થી ૪૫ ગામોને સરળતાથી ઉત્તમ સ્વાસ્થ્ય સેવા મળી રહે તેવા સંકલ્પ સાથે ચારૂસેટ હોસ્પિટલ થકી સ્થાપિત થયો છે. ચારૂસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. ઉમા પટેલે હોસ્પિટલની રૂપરેખા આપી હતી. ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. બી. જી. પટેલે ચારૂસેટ યુનિ.નો પરિચય આપ્યો હતો.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ડો. એ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી ફર્નીચર), જોઈન્ટ સેકેટરી ધીરુભાઈ પટેલ, મધુબહેન પટેલ, ચારૂસેટ યુનિ.ના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારૂસેટના એડવાઈઝર્સ, વિવિધ શાખાઓના ડીન, પ્રિન્સિપાલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના હોદ્દેદારો તથા કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી દાતા પ્રફુલ્લકુમાર પટેલ અને મુંબઈના પૂર્વ શેરીફ અને અગ્રણી ઉધોગપતિ ડો. એમ આઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલના ડાહ્યાાભાઈ કાશીભાઈ પટેલે અગાઉ હોસ્પિટલમાં બે બેડનું દાન આપ્યું હતું. તેઓએ ૧૦મીએ સ્વ. પિતા કાશીભાઈના સ્મરણાર્થે વધુ એક બેડ માટે રૂ. પાંચ લાખનો ચેક આપ્યો અને તેમના નાના ભાઈ તરફથી એક બેડના દાનનો સંકલ્પ કરાયો. નગીનભાઈએ આ પ્રસંગે ડો. યશવંત પટેલ અને તેમના પત્ની સુરેખાબહેન દ્વારા અપાયેલા દાનને પણ બિરદાવ્યું હતું અને સૌને સર્વ પ્રકારે સ્વાસ્થ્ય યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. શરદ પટેલે કર્યું હતું.