વોશિંગ્ટનઃ દેશ હોય કે વિદેશ - કોઇ પણ વ્યક્તિ 60-62 વર્ષની વય આસપાસ નિવૃત થઇ જતી હોય છે, પરંતુ અમેરિકાનાં 72 વર્ષીય પામ ફ્લિન્ટની વાત અલગ છે. તેઓ છેલ્લા 50 વર્ષથી વોલ્ટ ડિઝની વર્લ્ડમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં ડિઝનીલેન્ડ ખાતે યોજાયેલી ખાસ રેડ કાર્પેટ પાર્ટી દરમિયાન પણ તેમનું સન્માન કરાયું હતું. પામે 1971માં મેજિક કિંગડમ પાર્કમાં કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હવે તેઓ ડિઝનીલેન્ડના કોસ્ચ્યુમ ઓપરેશન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. પામે ડિઝની ક્રૂઝલાઇન માટે કોસ્ચ્યુમ ખરીદીના વિભાગમાં પણ કામ કર્યું છે. નોંધનીય બાબત એ છે કે પ્રથમ ડિઝનીલેન્ડ પણ વર્ષ 1971માં જ શરૂ કરવામાં આવ્યું હતું. ફિલન્ટ કહે છે કે મને આજેય બરાબર યાદ છે કે પહેલા દિવસે શો માટે માત્ર 15 લોકો જ હતા અને અમે ખૂબ જ ઉત્સાહિત હતા. માત્ર અમુક જ લોકોને કામના 50 વર્ષની કારકિર્દીની ઉજવણી કરવાની તક મળે છે, હું આવી જ નસીબદાર છું. ફ્લિન્ટે જોકે થોડા વર્ષો પહેલા થોડા સમય માટે કામ છોડી દીધું હતું, પણ બાદમાં ફરી તેણે ડિઝનીલેન્ડ સાથે જોડાઇ ગયા છે.