કેલિફોર્નિયા: હન્ટિંગ્ટન બીચ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય ગુજરાતી જાનુ પટેલે કેલિફોર્નિયાના લોંગ બીચ ટેરેસ સેન્ટરમાં યોજાયેલી એક સ્પર્ધામાં ‘મિસ કેલિફોર્નિયા ટીન યુએસએ’નો તાજ જીત્યો હતો. આગામી જુલાઈમાં નેવાડાના લાસ વેગાસ ખાતે યોજાનારી ‘ધ મિસ ટીન યુએસએ ૨૦૧૭’ સ્પર્ધામાં તે ભાગ લેશે. ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી રાજ્યસ્તરની પ્રાથમિક સ્પર્ધામાં જાનુની ‘મિસ હન્ટિંગ્ટન બીચ ટીન યુએસએ ૨૦૧૬’ તરીકે પસંદગી થઈ હતી.
જાનુ પટેલને તબીબ ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે. તે હાલમાં કૈસર પર્મેનન્ટ સાથે ઈન્ટર્નશીપમાં છે. જાનુ છેલ્લાં ૧૨ વર્ષથી NDM બોલિવૂડ ડાન્સ સ્ટુડિયો સાથે ડાન્સર તરીકે જોડાયેલી છે. તે છેલ્લાં ૧૦ વર્ષથી કથ્થક નૃત્યની તાલીમ પણ લઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેનેડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વક્તૃત્વ સ્પર્ધામાં પણ જાનુ પોતાની સ્કૂલનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. જાનુએ જણાવ્યું હતું, ‘આ પ્રકારની સ્પર્ધા જીતીને તમે તમારા સમાજને મદદ કરી શકો છો. હું વોલન્ટિયરિંગ આઉટરીચ પ્રોગ્રામની પ્રમુખ છું અને હું તે મંચનો ઉપયોગ સમાજના વડીલો, વિકલાંગો અને જરૂરતમંદ બાળકોની સેવા માટે કરું છું. હું માનું છું કે આ કામગીરીથી કાયમી ધોરણે સારી પ્રવૃત્તિનું પ્રતિનિધિત્વ કરી શકાશે.’