વોશિંગ્ટનઃ આજે ધરતી પર વિહરતા જોવા મળતાં ગ્રે વરુ કરતાં કદમાં ઘણાં મોટા અને આશરે 10,000 હજાર વર્ષ પૂર્વે નામશેષ થઇ ગયેલાં ડિરે વુલ્વ્ઝ એટલે કે સફેદ વરુને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જિનેટિક એન્જિનિયરીંગ (જનીન ઇજનેરી) દ્વારા સજીવન કરાયાં છે.
હાલ અમેરિકામાં એક અજ્ઞાત સ્થળે રખાયેલાં રોમુલસ અને રેમુસ નામના આ બે સફેદ વરુઓ લાંબા સફેદ વાળ ધરાવે છે અને તેમની વય ત્રણથી છ માસની છે. આ વરુઓનું વજન હાલ આશરે 80 પાઉન્ડ છે જે પુખ્ત વય સુધીમાં વધીને 140 પાઉન્ડ થઇ જશે. આ બન્ને વરુને 10,000 વર્ષ પહેલાં પૃથ્વી પરથી વિલુપ્ત થયા બાદ પુનઃ જીવિત કરાયા છે.
યુએસના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાંથી ડિરે વોલ્ફના 13,000 વર્ષ જૂના દાંત અને ઇડાહોમાંથી મળી આવેલી 72,000 વર્ષ જૂની ખોપડીના હિસ્સાનો અભ્યાસ કરીને તેના ડીએનએ મારફતે આ વરુની ખાસિયતોનો અભ્યાસ કર્યો હતો. એ પછી વિજ્ઞાનીઓએ જીવતાં ગ્રે વરુમાંથી રક્તકોષ લઇ સીઆરઆઇએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરીને 20 અલગ અલગ સ્થળે તેમાં જનીન ઇજનેરી દ્વારા સુધારાવધારા કર્યા હતા.
કોલોસલ કંપનીના ચીફ સાયન્ટિસ્ટ બેથ શેપિરોએ જણાવ્યું હતું કે આ પછી આ જનીન સામગ્રીને પાળેલી કૂતરીમાંથી મેળવાયેલા અંડકોષમાં ટ્રાન્સફર કરાઇ હતી. થોડાક સમય બાદ આ ગર્ભ પાળેલી કૂતરીના ગર્ભાશયમાં આ ગર્ભ ટ્રાન્સફર કરાયો હતો. 62 દિવસ બાદ તેમાંથી જનીન ઇજનેરીના ચમત્કાર સમાન આ ત્રણ સફેદ વરુઓનો જન્મ થયો હતો.
કોલોસલ કંપની દ્વારા જણાવાયું હતું કે તેમણે ચાર લાલ વરુઓના ક્લોન પણ બનાવ્યા છે. તેના માટે જેનું અસ્તિત્વ જોખમમાં છે તેવા લાલ જંગલી વરુમાંથી રક્ત મેળવી તેનું ક્લોનિંગ કરાયું હતું. હાલ સાઉથઇસ્ટર્ન યુએસમાંથી આ જંગલી લાલ વરુ નામશેષ થઇ રહ્યા છે ત્યારે તેમનું અસ્તિત્વ બચાવવા માટે આ ક્લોનિંગ કરાયું છે.
કોલોસલ કંપનીના ચીફ એનિમલ કેર એકસપર્ટ મેટ્ટ જેમ્સે જણાવ્યું હતું કે આ નાનકડાં સફેદ વરુ દેખાવમાં એકસમાન છે પણ તેઓ તેમના પૂર્વજોની જેમ મોટાં હરણનો શિકાર નહીં કરી શકે. કેમ કે તે કૌશલ્ય વિકસાવવા માટે તેમના કોઇ માતાપિતાનો સાથ તેમને મળ્યો નથી. આ ટેકનોલોજી દ્વારા અન્ય નામશેષ થઇ ગયેલી પ્રજાતિઓને ફરી સજીવન કરી શકાશે તેવી આશા આ સફેદ વરુઓને જોઇ બંધાઇ છે.