ન્યૂ યોર્કઃ મહેનતતો બધા કરે છે, પરંતુ દરેક વ્યક્તિ કરોડપતિ નથી બનતી. તેનું કારણ છે કેટલીક આદતો. પોતાના બળે અમીર બનનારા લોકોમાં બહાનાબાજીની આદત નથી હોતી. તે રૂપિયાનો ખૂબ સારો ઉપયોગ કરી શકે છે. તેમને ગુસ્સો પણ ઓછો આવે છે. થોમસ સી. કાર્લે નામના લેખકે પાંચ વર્ષમાં ૧૭૭ કરોડપતિઓનું અધ્યયન કર્યા બાદ નિષ્કર્ષ કાઢ્યો છે. અધ્યયન પર તેમણે એક પુસ્તક લખ્યું છે - 'ચેન્જ યોર હેબિટ્સ, ચેન્જ યોર લાઈફ.'
કાર્લે મુજબ ખૂબ પ્રતિભાશાળી લોકો પણ બહાનાબાજીના કારણે જીવનમાં સફળ નથી થઈ શકતા. પેશન હોય તે વ્યક્તિ નિર્ણયો લેવાનું ટાળે છે. કાર્લે નાણાંની તંગીને પણ બહાનાબાજીની ટેવ સાથે જોડે છે. તેમણે લખ્યું છે, તેનાથી તમે કંપની મેનેજમેન્ટ અને સાથી કર્મચારીઓનો વિશ્વાસ ગુમાવી દો છો. તે તમારા કામની ગુણવત્તા અને અંતે તમારા બિઝનેસ અને સંબંધોને અસર કરે છે.
બહાનાબાજીની આદત બધામાં હોય છે પરંતુ તેનાથી છુટકારો મેળવવાની ક્ષમતા વ્યક્તિને સફળ અથવા નિષ્ફળ બનાવે છે. પ્રશ્ન ઊઠે છે કે સફળ વ્યક્તિ તેનાથી કેવી રીતે છુટકારો મેળવે છે. કાર્લે મુજબ ૮૧ ટકા લોકો કામની યાદી બનાવે છે. તેને પૂરા કરવાની ડેડલાઈન નિશ્ચિત કરે છે અને તેના પર અમલ કરે છે. પોતાની આજુબાજુ પણ એવા લોકોને રાખે છે જે લક્ષ્ય અને ડેડલાઈનનું પાલન કરે છે. નકારાત્મક વિચાર અથવા હંમેશા ફરિયાદ કરનારાને પોતાની નજીક નથી રાખતા. કાર્લે મુજબ અમીર બનવાના બે રસ્તા છે. પહેલો, કમાણી કરતાં ઓછો ખર્ચ કરો. બીજો ખર્ચ કરતાં વધુ કમાણી કરો. વધુ કમાણીનો વિકલ્પ બધા પાસે નથી હોતો.
૮૦ વર્ષ પહેલાં પણ તારણ
નેપોલિયન હિલે અંદાજે ૮૦ વર્ષ પહેલાં આવું એક તારણ કાઢ્યું હતું. તેમણે ૧૯૩૭માં 'થિંક એન્ડ ગ્રો રિચ'માં લખ્યું હતું કે સૌથી અમીર લોકો ઓછા સમયમાં નિર્ણય લે છે. નેપોલિયને ત્યારે ૫૦૦ કરોડપતિઓની આદતોનું અધ્યયન કર્યું હતું.
સફળ લોકોની આદતો
૯૪ % પહેલા દિવસથી કમાણીના ૨૦ ટકા બચાવે છે.
૮૦ % એક વખતમાં એક કામને લક્ષ્ય બનાવે છે.
૭૩ % સપ્તાહમાં સરેરાશ 58 ક્લાક કામ કરે છે
૬૭ % દરરોજ એક કલાકથી પણ ઓછું ટીવી જુએ છે.
૬૫ % પાસે આવકના ઓછામાં ઓછા ત્રણ સ્રોત છે.
૬૪ % સામાન્ય ઘરોમાં રહે છે. ગાડીઓ પણ જૂની હોય છે.
૬૩ % એ કામના સંદર્ભમાં જોખમ લીધું, ત્યારે આગળ વધ્યા.
૨૭ % બિઝનેસમાં ઓછામાં ઓછા એક વખત ફેલ પણ થયા.