જૈનિઝમનું ધાર્મિક મહત્ત્વ સમજવા માટે અને તેનું સાંસ્કૃતિક મૂલ્યાંકન કરવા માટે રાઈસ યુનિવર્સિટી એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને માટે અનુદાન આપશે. જેમાં આવી ફેલોશિપ માટે ૮૦ હજાર ડોલરની માતબર રકમ ફાળવવાનું નક્કી થયું હતું. જૈનધર્મ વિશે સાંસ્કૃતિક અને ધાર્મિક ઉપરાંત ફિલસૂફી, ઈતિહાસ, આર્ટ સહિતની બાબતોનો એમ.ફિલ સ્તરનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ રકમમાંથી અનુદાન અપાશે. ભગવાન મહાવીરના જીવન અને તેમના સંદેશનો ફેલાવો કરવા માટે આ અનુદાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું જૈન સોસાયટી અને રાઈસ યુનિવર્સિટીના એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું.
અમેરિકા સ્થિત જૈન અગ્રણી સુલેખ જૈનના કહેવા પ્રમાણે જૈનિઝમનો અભ્યાસ કરવા માટે હ્યુસ્ટનની આસપાસ બીજે ક્યાંય આવો અભ્યાસક્રમ ચાલતો ન હતો. હવે રાઇસ યુનિવર્સિટીએ પહેલ કરી છે એટલે આ ક્ષેત્રે સંશોધનાત્મક ખેડાણ થશે.