નોર્મા અને એડિથ નામની એકસમાન ચહેરા ધરાવતી જોડકી બહેનો 23 ડિસેમ્બરના રોજ અમેરકાના બોસ્ટનમાં જન્મી હતી. આ બંને બહેનો 13 વર્ષની થઈ ત્યારે એમના પિતા એમને છોડી ગયા હતા. માતાવિહોણી આ બન્ને એકબીજાનો સધિયારો બની. વયના વધવા સાથે લગ્ન કરીને ઘરસંસાર માંડ્યો. લગ્ન પછી નોર્મા મેથ્યુસ અને અને એડિથ એન્ટોસેસી બન્યા પછી પણ એકબીજાની સાથે જ રહી શકાય તે માટે નજીકના શહેરોમાં જ વસવાટ કર્યો. બંનેએ પ્રથમ સંતાનને જન્મ પણ એક સાથે આપ્યો હતો. બન્નેના પતિ 1994માં મૃત્યુ પામ્યા. આમ બન્ને વિધવા પણ સાથે બની. આ પછી બંને ફ્લોરિડા આવી ગયાં અને મોબાઈલ હોમમાં એક સાથે રહેવા લાગ્યાં. તાજેતરમાં તેમણે 100મી વર્ષગાંઠ ઊજવી ત્યારે સગાં-સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. નોર્મા અને એડિથ કહે છે કે સાથે રહેવાથી તેમજ સ્મોકિંગ કે ડ્રિંક નહીં કરવાથી અને સ્વસ્થ જીવન જીવવાથી 100 વર્ષ જીવી શક્યાં છીએ.