ગાંધીનગરઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં વસતા નરેન્દ્ર જયંતીભાઇ પટેલ નામના યુવાનની તેના સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ૩૩ વર્ષીય યુવાન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામનો વતની છે અને ૧૪ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. યુવાનના મોતને પગલે તેના વતન નારદીપુરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. નરેન્દ્રના પિતા જયંતીભાઇ પાટીદારના સમાજના અગ્રણી તરીકે જાણીતા છે.
નરેન્દ્ર પટેલ જ્યોર્જિયા સ્ટેટના ફિઝલ ટાઉનમાં મેરામેક ડ્રાઇવ વિસ્તારમાં પોતાની માલિકીનો સ્ટોન્સ ગ્રોસરી નામનો સ્ટોર ધરાવે છે. નવમી ઓગસ્ટે સાંજે ૪-૩૦ વાગ્યાના અરસામાં તેના સ્ટોર પર ગ્રાહકના સ્વાંગમાં એક અમેરિકન યુવાન આવ્યો હતો. આ યુવાને કોઇ બાબતે બોલાચાલી કરીને બાદમાં એકાએક લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે નરેન્દ્રએ તેનો પ્રતિકાર કરતાં લૂંટારુ યુવાન ઉશ્કેરાયો હતો. તેણે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ચાર ગોળી ધરબી દેતાં નરેન્દ્રભાઇ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતાં અને તેમનું મોત નીપજ્યું હતું.
૧૪ વર્ષ પહેલા અમેરિકા વસવાટ
કલોલ શહેરના અંબિકા બસ સ્ટોપ નજીકના રૂષિ આર્કેડમાં રહેતા અને મૂળ નારદીપુર ગામના ભાવસારવાસના રહીશ પાટીદાર અગ્રણી જયંતીભાઇ છનાલાલ પટેલનો સૌથી મોટો પુત્ર નરેન્દ્ર આજથી ૧૪ વર્ષ પહેલા અમેરિકા જઇને સ્થાયી થયો હતો. જ્યાં તે બે નાના ભાઈઓ જિતેન્દ્ર અને ચેતન સાથે રહેતો હતો. સમયાંતરે નરેન્દ્રના લગ્ન સીમા નામની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાં સાત વર્ષનો પુત્ર સનત અને પાંચ વર્ષની પુત્રી ધ્યાની છે. નરેન્દ્રે અમેરિકામાં પોતાની માલિકીનો સુપર માર્કેટ સ્ટોર શરૂ કર્યો હતો. પતિ-પત્ની બન્ને સ્ટોરનું સંચાલન કરતા હતાં. સ્ટોર વ્યવસ્થિત ચાલતો હોવાથી સુખી-સંપન્ન પરિવાર મોજથી જિંદગી જીવી રહ્યો હતો. જોકે નવ ઓગસ્ટનો દિવસ પરિવાર માટે ગોઝારો પુરવાર થયો હતો.
હુમલામાં પુત્રનું મોત થયાના સમાચાર મળતાં જ નરેન્દ્રના પિતા જયંતીભાઈ છનાલાલ પટેલ અને તેમની માતા લીલાબેન બુધવારે રાત્રે અમેરિકા જવા માટે રવાના થઇ ગયા હતા.
નિવાસસ્થાને સ્વજનો ઉમટ્યા
કલોલના પાટીદાર અગ્રણી જયંતીભાઇ છનાલાલ પટેલના અમેરિકામાં રહેતા મોટા પુત્રનું અકાળે મોત થયું હોવાના સમાચાર કલોલ પંથકમાં પ્રસરતા જ શહેર અને નારદીપુરના સગાસંબંધીઓ તેમજ પાટીદાર આગેવાનો રૂષિ આર્કેડના નિવાસ્થાને ઉમટ્યા હતાં. જ્યાં આક્રંદના કારણે વાતાવરણ શોકમય બની ગયું હતું.
જ્યોર્જિયા પોલીસે હત્યારા હુમલાખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જોકે અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થવાથી સ્થાનિક ભારતીય સમુદાયમાં રોષની લાગણી પ્રવર્તે છે.