અમદાવાદઃ યુએસના જ્યોર્જિયા સ્ટેટમાં લોટરી શોપ ધરાવતા મૂળ અમદાવાદમાં આવેલા ઘાટલોડિયાના કે કે નગરના ગૌતમભાઈ પટેલ તથા તેમના પુત્ર વત્સલ પર લૂંટના ઈરાદે આવેલા અશ્વેતોએ ગોળીબાર કરતાં ૨૩ વર્ષના વત્સલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પિતાને પેટમાં ગોળી વાગતાં તેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. છેલ્લા બે વર્ષથી ગૌતમભાઈ પત્ની અને બે પુત્રો સાથે જ્યોર્જિયાના કોલંબસમાં સ્થાયી થયા છે.
છઠ્ઠી નવેમ્બરે ગૌતમભાઈ અને વત્સલ શોપમાં હતા ત્યારે અજાણ્યા અશ્વેતો શસ્ત્રો સાથે દુકાનમાં ઘૂસી ગયા હતા. લૂંટના ઈરાદે આવેલા માણસોએ મનફાવે તેમ લૂંટ ચલાવી પછી પિતા-પુત્ર પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં વત્સલને ત્રણ ગોળી અને ગૌતમભાઈના પેટમાં એક ગોળી વાગી હતી. ફાયરિંગના કારણે પોલીસ અને આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવતાં અશ્વોતો ભાગી ગયા અને પિતા-પુત્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં વત્સલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગૌતમભાઈનું ઓપરેશન કરીને પેટમાંથી એક ગોળી કાઢવામાં આવી હતી.
ગૌતમભાઈના અન્ય પરિવારજનો અમદાવાદમાં આવેલા નરોડામાં રહે છે. વત્સલે અમદાવાદમાં ઈલેકટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને માસ્ટર ડિગ્રીના વધુ અભ્યાસ માટે તે યુએસમાં સ્થાયી થયો હતો. અભ્યાસ સાથે તે તેના પિતાને શોપમાં મદદરૂપ થતો હતો. ગૌતમભાઈના પરિવારજનોએ જણાવ્યું કે, ગૌતમભાઈ વત્સલના લગ્ન માટેની તૈયારી પણ કરી રહ્યા હતા. આ બનાવને પગલે વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ઊભો થયો છે.