સેન્ટ લૂઇ (મિસૂરી)ઃ બાળકોની સારસંભાળ માટેની વિવિધ પ્રોડક્ટ્સ બનાવતી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસન (જેએન્ડજે)ને અમેરિકાના મિસૂરી સ્ટેટની કોર્ટે એક પરિવારને ૭૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૯૪ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કંપનીની પ્રોડક્ટ્સના ઉપયોગથી કેન્સર થવાની સંભાવના અંગેના એક કેસમાં કોર્ટે આવો હુકમ કર્યો છે. જોકે, કંપનીએ તેમની પ્રોડક્ટ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.
એક મહિલાએ આ કંપનીની પ્રોડક્ટ્સના ઉપયોગથી કેન્સર થયું હોવાની ફરિયાદ કરી હતી. પીડિત મહિલા ઓવેરિયન કેન્સર(અંડાશયના કેન્સર)થી ગ્રસ્ત હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મહિલા જ્હોનસન એન્ડ જ્હોનસનનો બેબી પાઉડર અને શોવર-ટુ-શોવરનો ઉપયોગ વર્ષોથી કરતી હતી. કોર્ટે મહિલાના પરિવારને દંડની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.
જેકલિન ફોક્સ નામની આ મહિલાના પરિવારને સેન્ટ લુઈની સર્કીટ કોર્ટની જ્યુરીએ ૧૦ મિલિયન ડોલર 'વાસ્તવિક નુકસાન' પેટે અને ૬૨ મિલિયન 'પ્યુનિટિવ ડેમેજ' પેટે એટલે કે દંડાત્મક નુકસાન ભરપાઈ કરવાનો કંપનીને આદેશ કર્યો છે.
કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફોક્સ બેબી પાઉડર અને શોવર-ટુ-શોવરનો ઉપયોગ ૩૫ વર્ષથી વધારે સમય સુધી કર્યો છે. ત્રણ વર્ષ પહેલાં તેને ઓવરિયન કેન્સરથી પીડિત હોવાનું માલૂમ થયું હતું અને ગત વર્ષે ઓક્ટોબરમાં ૬૨ વર્ષની વયે તેનું મોત થયું હતું.
બીજી તરફ, કોર્ટના આ નિર્ણય અંગે કંપનીની પ્રવક્તા કેરલ ગુડરિચે કહ્યું, 'ગ્રાહકનો સ્વાસ્થ્ય અને સુરક્ષા જ અમારી વિશેષ જવાબદારી છે. અમે આ સુનાવણીના હુકમથી નિરાશ થયાં છીએ. અમને મૃતકના પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ અમને દૃઢ વિશ્વાસ છે કે કોસ્મેટિક ટેલ્કમ પાઉડર સુરક્ષિત છે અને તેની વૈજ્ઞાનિક સાબિતીઓ પણ છે.'
કોર્ટે કંપનીને એ બાબતે પણ દોષિત ઠેરવી હતી કે તેના ટેલ્કમ પાઉડરથી કેન્સર થવાની સંભાવના વિશે લોકોને ચેતવણી આપવામાં નિષ્ફળ રહી છે.