વોશિંગ્ટનઃ વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિન ૯૫ વર્ષમાં સાતમી વાર વેચાશે. આ ડીલ રૂ. ૧૪૦૦ કરોડમાં થઈ છે. સેલ્સફોર્સના સહ-સ્થાપક માર્ક બેનિઓફ (૫૩) અને તેમની પત્ની લાઈની બેનિઓફ તેને મેરેડિથ મીડિયા ગ્રૂપથી ખરીદી રહ્યાં છે. મેરેડિથ કોશ બ્રધર્સે ટાઇમને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં રૂ. ૧૮૦૦૦ કરોડમાં ખરીદ્યું હતું. ત્યારે ટાઇમ ઇન્કના ચારેય મેગેઝિનની ડીલ થઈ હતી. આ ડીલ ફક્ત ‘ટાઇમ મેગેઝિન’ માટે થઈ હોવાથી રકમ ઓછી છે. તેમાં ફોર્ચ્યુન, મની અને ઇલસ્ટ્રેટેડ વીકલી સામેલ નથી. ‘પીપલ’ અને ‘બેટર હોમ્સ એન્ડ ગાર્ડન્સ’ જેવા મેગેઝિનોનું પ્રકાશન કરતી મેરેડિથે ‘ટાઇમ ઇન્ક’નાં ચાર મેગેઝિનોને માર્ચમાં વેચવાની રજૂઆત કરી હતી. મેરેડિથે કહ્યું કે બેનિઓફ દંપતી ટાઈમ મેગેઝિનના રોજિંદા કામ અને મેગેઝિન સંબંધિત નિર્ણયોમાં સામેલ નહીં થાય.
આ નિર્ણય મેગેઝિનની વર્તમાન લીડરશીપ જ કરશે. મેરેડિથ પ્રેસિડેન્ટ તથા સીઈઓ ટોમે કહ્યું કે અમે ટાઇમ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ માટે લાઈની બેનિઓફ જેવા ખરીદાર મેળવીને ખુશ છીએ.