ન્યૂ યોર્કઃ સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરાઇ હતી. ભારતીય-અમેરિકી સમુદાય ઉપરાંત બાંગલાદેશ, નેપાળ, યુકે, યુએસ, યુએઈ, યુગાન્ડા, ટ્રિનિડાડ અને ગયાનાની 500થી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન બ્રિટિશ વુમેન ઈન સારીઝ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્રોતો દ્વારા કન્યાઓ, યુવતીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં કાર્યરત અન્ય સંસ્થાઓના સહયોગમાં કરાયું હતું.
અગાઉ લંડનમાં ટ્રફાલગર સ્ક્વેર ખાતે ઐતિહાસિક સાડી વોકાથોન અને રોયલ એસ્કોર્ટ લેડીઝ જેવા વૈશ્વિક કાર્યક્રમોની સફળતાથી પ્રેરિત આ કાર્યક્રમનો હેતુ સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઉજવણી ઉપરાંત ગ્રામીણ ભારતના કારીગરોને ટેકો આપવા અને પરંપરાગત કારીગરીના જતનનો પણ હતો. કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતીક તરીકે ગણાવાઇ હતી. આ કાર્યક્રમમાં સાડીને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાની હાકલ કરાઇ હતી.
ન્યૂ યોર્ક સિટીના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે આયોજકોનું બહુમાન કર્યું હતું અને તેમના ફાળાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વૈશ્વિક સમુદાયનો પ્રભાવ દર્શાવવાનો મંચ બની રહે છે. તેમણે કહ્યું હતું કે સાડી સૌંદર્યના પ્રતીક ઉપરાંત પરંપરાગત કારીગરી જાળવવા માટે પણ મહત્ત્વની છે.
ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ શ્રુતિ પાંડેએ જણાવ્યું કે સાડી તેની વૈવિધ્યતા અને સૌંદર્ય સાથે માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ છે. બ્રિટિશ ચેરિટીનાં પ્રતિનિધિ ડો. જેસિકા સિમ્સે સાંસ્કૃતિક વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવામાં સાડીના મહત્ત્વને બિરદાવ્યું હતું.