ન્યૂ યોર્કઃ ફિલ્મ સંગીતકાર જેમ્સ હોર્નરનું ૨૩ જૂને આકસ્મિક મોત થયું છે. ૬૧ વર્ષીય હોર્નરને ટાઈટેનિક ફિલ્મમાં અદ્ભૂત સંગીત બદલ બે ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. ટાઈટેનિકના મ્યુઝિક ટ્રેકની ૨.૭ કરોડથી વધુ નકલો વેચાઈ હતી. તેને વિમાન ઊડ્ડયનો ભારે શોખ હતો. સધર્ન કેલિફોર્નિયામાં સાન્તા બાર્બરા વિસ્તારથી ૬૦ માઈલ દૂરના અંતરે હોર્નરનું બે સીટનું અંગત વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેનું નિધન થયું હતું. ટાઈટેનિકનું સેલાઈન ડિઓનના કંઠે ગવાયેલું ‘માય હાર્ટ વીલ ગો ઓન’નું કમ્પોઝીંગ પણ હોર્નરે જ કર્યું હતું.
અમેરિકામાં પણ સહારા ઈન્ડિયા પર કેસઃ સુબ્રતો રોય સહારાની મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકાની એક કોર્ટે તેને કારણદર્શક નોટિસ મોકલી છે. તેને પૂછાયું છે કે ન્યૂ યોર્કની પ્લાઝા અને ડ્રીમ ડાઉનટાઉન હોટલોને જપ્ત શા માટે કરવામાં ન આવે. આ કેસ ૩૫ કરોડ ડોલરનો છે. સહારા જૂથ હોટલો વેચીને ચેરમેન સુબ્રોતો રોયના જામીન માટે રકમ મેળવવાની પેરવીમાં છે. કેસ હોંગકોંગની જેટીએસ ટ્રેડિંગ કંપની દ્વારા થયો છે. જેટીએસનો આરોપ હતો કે તે ટ્રિનિટી સાથે મળીને હોટલ ખરીદવા માગતી હતી. માટે તેણે યુબીએસ પાસેથી લોન પણ લીધી હતી.