વોશિંગ્ટનઃ અમેરિકાના કર્મચારીઓએ ભારતીય આઈટી દિગ્ગજ ટીસીએસ સામે ગંભીર આરોપ મૂક્યો છે. સ્કીલ્ડ ફોરેન લેબરર માટેના અમેરિકન વિઝા કાર્યક્રમ પર એક તરફ વાદવિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે અમેરિકન પ્રોફેશનલ્સના એક જૂથે ભારતની પ્રસિદ્ધ ટેકનોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી (ટીસીએસ)ની સામે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે ટીસીએસએ તેમને શોર્ટ નોટિસ ફટકારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતાં અને તેમના સ્થાને H1-B વિઝા પર ભારતીયોને નોકરી આપી દીધી છે. એચ-1બી વિઝા કાર્યક્રમ અમેરિકન કંપનીઓને ટેક્નિકલ એક્સ્પર્ટ્સની આવશ્યકતા ધરાવતાં ખાસ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓની નિયુક્તિની મંજૂરી આપે છે. મોટાભાગના એચ-1બી વિઝાધારકોને ત્રણથી છ વર્ષ માટે નિયુક્ત કરાય છે. જો તેઓ ગ્રીનકાર્ડ પ્રક્રિયાના માધ્યમથી પરમેનન્ટ રેસિડેન્સની સુવિધા મેળવવા માંગતાં હોય તો રિન્યૂવલની સંભાવના હોય છે.
આરોપોને નિરાધાર ગણાવતી ટીસીએસ
બીજી તરફ, ટીસીએસએ આ આરોપોને નિરાધાર ગણાવતા જણાવ્યું હતું કે તે ક્યારેય પણ કોઈ ગેરકાનૂની ભેદભાવમાં સામેલ થતી નથી. કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટીસીએસની પાસે અમેરિકામાં સમાન અવસર નિયોક્તા હોવાનો અને પોતાના ઓપરેશન્સમાં ઇમાનદારી સાથે કામ કરવાનો એક મજબૂત રેકોર્ડ છે.