ન્યૂ યોર્કઃ સાન ફ્રાન્સિસ્કોમાં 26 વર્ષના પ્રતિભાશાળી ભારતીય-અમેરિકન ટેક્નોક્રેટ સુચિર બાલાજીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસના અંતે સુચિરે આત્મહત્યા કર્યાની શક્યતા દર્શાવી છે, પણ અપમૃત્યુની આ ઘટનાના એક મહિના બાદ માતાએ તેની હત્યા થયાની આશંકા દર્શાવીને એફબીઆઈ તપાસની માંગ કરી છે. એલન મસ્કે પણ તેમની આશંકા સાથે સંમતિ દર્શાવી છે. ઓપનએઆઈ વ્હિસલબ્લોઅર અને રિસર્ચર સુચિર 26 નવેમ્બરે તેમના ફ્લેટમાં મૃત સ્થિતિમાં મળ્યા હતા. ઓપનએઆઇ માટે કામ કરી ચૂકેલા સુચિર પર કંપનીએ કોપીરાઇટ ભંગનો આરોપ લગાવ્યો હતો. રવિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં માતા પૂર્ણિમા રામારાવે જણાવ્યું હતું કે તેમણે એક પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટરને કામ પર રાખ્યો અને મોતનું કારણ જાણવા માટે બીજી વખત મૃતદેહનું પરીક્ષણ કરાવ્યું છે. બાથરૂમમાં મારામારી થયાના અને લોહીના નિશાન છે, જે દર્શાવે છે કે કોઇએ તેને બાથરૂમમાં માર્યો છે.
સુચિરની માતાએ જણાવ્યું હતું કે આ એક હત્યા છે, જેને અધિકારીઓએ આત્મહત્યા જાહેર કરી છે. તેમણે પોસ્ટમાં બિલિયોનેર એલન મસ્ક, વિવેક રામાસ્વામીને પણ ટેગ કર્યા છે, જે આગામી ટ્રમ્પ તંત્રના કર્ણધાર છે. મસ્કે પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ (મૃત્યુ) આત્મહત્યા જેવું લાગતું નથી.