ઓક્લાહોમા સિટીઃ અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને આર્કાન્સાસમાં પ્રચંડ વાવાઝોડું ત્રાટક્તા 11 લોકોનાં મોત થયા છે. વાવાઝોડાને કારણે કેટલાય મકાનો ધરાશાયી થઇ ગયા છે અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે હજારો લોકો અંધારપટનો સામનો કરી રહ્યાં છે. આર્કાન્સાસમાં 24 હજાર મકાનોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
ઓક્લાહોમા સાથે સરહદ પાસે આવેલા ગ્રામીણ વિસ્તારના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા છે. શનિવાર રાતથી આ વિનાશકારી વાવાઝોડાની શરૂઆત થઈ હતી. અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે હાઈવે પર કેટલાક વાહનોને નુકસાન થતાં હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી અને ડ્રાઈવરોને નજીકના સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી. વીજ પુરવઠો ખોરવાઈ જવા અને વૃક્ષો ધરાશયી થવાના કારણે હાઈવે શરૂ થવામાં સમય લાગી શકે છે.