આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરતાં ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હુમલાખોરે લૂંટના ઇરાદે ગોળીબાર કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સાઉથ કેરોલીનાના ટેક્સાસમાં સ્થાયી થયેલા ૫૦ વર્ષીય મૃદુલાબહેન ગયા ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે સ્ટોર બંધ કરી રહ્યા હતાં ત્યારે સિગારેટ ખરીદવા આવેલાં એક શખસે તેમના પર ફાયરિંગ કર્યું હતું. મૃદુલાબહેનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
યુએસ પોલીસે નાસતાફરતા હુમલાખોરને ઝડપી લેવા સ્થાનિક રહેવાસીઓની મદદ માંગી છે. ભારતીય દુતાવાસનાં જણાવ્યા અનુસાર, લૂંટના ઇરાદે થયેલા હુમલામાં મૃદુલાબહેન પટેલનું મૃત્યુ થયું છે. આ કોઇ વંશીય હુમલો નથી.
મૃદુલાબેન પ્રવીણભાઈ પટેલ ૨૫ વર્ષ પૂર્વે પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયાં હતા. દસેક વર્ષ પૂર્વે તેઓ પરિવાર સાથે લંડનથી સ્થળાંતર કરીને ટેક્સાસમાં સ્થાયી થયાં હતાં અને ત્યાં તેઓ સ્ટોરનું સંચાલન કરતાં હતાં. મૃદુલાબહેનનાં આણંદ જિલ્લાના તારાપુર ખાતે રહેતાં ભત્રીજા બ્રિજેશ પટેલે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કાકા પ્રવીણભાઈ પટેલ પરિવાર સાથે દસ વર્ષ અગાઉ લંડનથી અમેરિકા જઈને વસ્યાં હતાં. તેઓનો મોટેલ અને સ્ટોરનો બિઝનેસ છે. જેમાંથી સ્ટોરનું સંચાલન મૃદુલાબહેન કરતાં હતાં.
ગયા ગુરુવારે પ્રવીણભાઈ કેલિફોર્નિયા ગયા હતા. રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ મૃદુલાબહેન સ્ટોર બંધ કરી રહ્યા હતા ત્યારે સિગારેટ ખરીદવા માટે આવેલાં એક અશ્વેત શખસે કોઈ કારણોસર તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ સમયે મૃદુલાબહેને હાથ આગળ ધરીને પ્રતિકાર પણ કર્યો હતો. આમ છતાં ગોળી હાથ ચીરીને મગજનાં ભાગે વાગી હતી.
ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સર્જરી કરીને કારતૂસ કાઢી લેવામાં આવી હતી.’ જોકે, સારવાર દરમિયાન શનિવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
એક અન્ય અહેવાલ અનુસાર, રાત્રીના સમયે સ્ટોર બંધ થવાના સમયે અજાણ્યો લૂંટારું ગન સાથે આવી પહોંચ્યો હતો અને તેણે કેશબોક્સની માગણી કરી હતી. ગન જોઈને મૃદુલાબહેને હાથ ઊંચા કરી દીધા હતા, પણ હુમલાખોરે સીધું જ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું, જેમાં તેમને ગંભીર ઇજા થઇ હતી.
પરિવારજનો પહોંચ્યા
અમેરિકામાં પતિ અને દીકરી સાથે સ્થાયી થયેલા મૃદુલાબેનના દીકરા લંડનમાં વસે છે જ્યારે ત્રણ દિયરો અને દેરાણી અમેરિકામાં સ્થાયી થયા છે અને પારિવારિક બિઝનેસ સંભાળે છે. મૃદુલાબેન પર જીવલેણ હુમલો થયાના સમાચાર મળતાં જ તેઓ ટેક્સાસ પહોંચી ગયા હતા.
ચાર માસમાં છ હુમલા
છેલ્લા ચાર જ માસમાં અમેરિકામાં ભારતીયો પર કુલ છ જીવલેણ હુમલા થયા છે, જેમાંથી પાંચ તો ગુજરાતી છે.
પહેલા બનાવમાં પહેલી ફેબ્રુઆરીના રોજ સુરેશ પટેલ પર અલાબામામાં હુમલો થયો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
૧૬ ફેબ્રુઆરીએ નડિયાદના અમિતભાઈ પટેલ ઉપર અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ૨૮ ફેબ્રુઆરીએ સનાતન ધર્મમંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને આઠમી માર્ચે રણદીપક કૌર નામની ભારતીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી છઠ્ઠી એપ્રિલે ગેસ સ્ટેશન પર સંજય પટેલ પર ગોળીબાર થયો હતો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને છઠ્ઠી ઘટનામાં મૃદુલાબેન પટેલના ટેક્સાસ ખાતેના સ્ટોર પર ત્રાટકેલા લૂંટારુઓએ ફાયરિંગ કરીને તેમનો જીવ લીધો છે.