નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અગાઉ અમેરિકન પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ અંગેની રણનીતિ જાહેર કરીને વિશ્વભરને ચોંકાવી દીધું હતું. ટ્રમ્પે મોદી સાથેની મુલાકાતના ગણતરીના કલાક પૂર્વે જ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવતા રેસિપ્રોકલ ટેરિફ ઓર્ડર પર સહી કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ તાત્કાલિક અસરથી અમલી નહીં બને. દરેક દેશને વાટાઘાટ કરવા માટે સમય મળશે.આ ટેરિફ દરેક દેશ માટે અલગ હશે. આ ટેરિફમાં ફક્ત કર નહીં પરંતુ સ્થાનિક પ્રોત્સાહનોની ગણતરી પણ ધ્યાનમાં લેવાશે. આ ટેરિફ બીજી એપ્રિલથી અમલમાં આવશે. આમ, ટ્રમ્પે નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે, પણ નવા ટેરિફ દર જાહેર કર્યા નથી.
રેસિપ્રોકલ ટેરિફ જે દેશ સાથે અમેરિકાની વ્યાપાર ખાધ વધારે હશે તેવા દરેક દેશ ઉપર લાદવામાં આવશે. અહીં નોંધવું જોઈએ કે ભારત સાથે અમેરિકાની વ્યાપાર ખાધ છે. ભારત પાસેથી અમેરિકા જેટલી ખરીદી કરે છે તેના કરતાં નિકાસ ઓછી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં ફાર્મા, કર અને હાઇટેક ચિપસેટ ઉપર પણ ટેરિફ લાદવામાં આવશે. જે દેશ આ નવા ટેરિફ માટે મંત્રણા વાટાઘાટ કરવા તૈયાર હશે, તેની સાથે અમે ચર્ચા કરવા તૈયાર છીએ તેમજ જે દેશ ટેરિફ ઘટાડશે તેના પરનો ટેરિફમાં અમે પણ કાપ મૂકીશું.’