વોશિંગ્ટનઃ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા કરતાં જિમમાં પ્રવેશ મેળવવો વધુ મુશ્કેલ હોવાનું કોઇ કહે તો?! પહેલી નજરે તો વાત માન્યામાં જ ન આવે, પરંતુ આ હકીકત છે. આપણે એક કોરી જિગમેનનું જ ઉદાહરણ જોઇએ.
44 વર્ષીય રિયલ એસ્ટેટ કારોબારી કોરી જિગમેને ગયા વર્ષે જૂનમાં લોસ એન્જલસનાં જાણીતા ફિટનેસ સેન્ટર હેમેટમાં પ્રવેશ મેળવવા માટે મિત્રોની સાથે મળીને અરજી કરી હતી. અરજી કરવામાં આવ્યા બાદ સેન્ટરમાં તેમને કોણ ઓળખે છે? સોશિયલ મીડિયા હેન્ડલ કેટલા છે? વગેરે જાત જાતના સવાલ કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રશ્નોનાં જવાબ આપવામાં આવ્યા હોવા છતાં કોરી જિગમેનને ફિટનેસ સેન્ટરમાં પ્રવેશ મળ્યો ન હતો. તેમને ફક્ત રાહ જોવાનો વારો આવ્યો હતો. એક મહિના કરતા વધુ સમય પસાર થઇ ગયા બાદ તેમને પ્રવેશ મળ્યો હતો. કોરીએ સ્પિન, પિલાટે ક્લાસીસ, કો-વર્કિંગ સ્પેસ, નેપ રૂમ વગેરે માટે દર મહિને 350 ડોલરથી વધુ (આશરે રૂ. 29 હજાર રૂપિયા) ચૂકવી રહ્યો છે. જ્યારે તેના મિત્રો તો પણ હજુ પણ જિમમાં મેમ્બરશીપ માટે રાહ જ જોઇ રહ્યા છે.
આ વાત માત્ર હેમેટ ફિટનેસ સેન્ટરની નથી. આ સ્થિતિ અમેરિકાનાં એક ડઝનથી વધુ ફિટનેસ સેન્ટરોની છે. આમાં પ્રવેશ મેળવવાની બાબત ટોપ યુનિવર્સિટી અને કોલેજમાં પ્રવેશ મેળવવા કરતા પણ મુશ્કેલ છે.
આવા જિમમાં મેમ્બરશીપ માટે ઓળખીતા લોકો, વન ટૂ વન ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ રિવ્યૂ વગેરે અનેક પરિબળોને ધ્યાને લઇને ખાતરી કરવામાં આવે છે કે મેમ્બરશીપ મેળવનાર વ્યક્તિ યોગ્ય છે કે કેમ. હેમેટના સીઇઓ સેબેસ્ટિયન શોએપ કહે છે, ‘અમે તે વાતને લઇ સ્પષ્ટ છીએ કે માત્ર સમાન વિચારધારા ધરાવતા લોકો જ અમારી સાથે જોડાય, જે લોકો જિમને માત્ર સેલ્ફીની દૃષ્ટિએ જુએ છે, તેવા લોકો માટે પોસાય તેવી ફીમાં ઘણાં વિકલ્પો છે.’
ન્યૂ યોર્કમાં સોશિયલ વેલનેસ ક્લબ રેમેડી પ્લેસમાં ફીનું સ્ટ્રક્ચર તો દર મહિને 600 ડોલરથી 2750 ડોલર (આશરે રૂ. 50 હજા૨થી લઇ રૂ. 2.25 લાખ) જેવું ઊંચું છે. જોકે આટલી તગડી ફીના બદલામાં મેમ્બર્સને ક્રાયોથેરાપી (કોલ્ડ થેરાપી), આઈવી ડ્રિપ, હાઇપરબોલિક ઓક્સિજન ચેમ્બર, મેડિટેશન ક્લાસ અને સાઉન્ડ બાથ જેવી સુવિધાઓ મળે છે, જે બીજા જિમમાં ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે.