વોશિંગ્ટનઃ અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને પૈસા આપીને ચુપ કરાવવાના કેસની સુનાવણી માટે જજોની પસંદગી થતી હતી ત્યારે આ ઘટના બની હતી. આ વ્યક્તિ પ્રેસિડેન્ટ બાઈડેનની નીતિઓથી પણ નારાજ હતો. આત્મવિલોપન કરનાર મેક્સવેલ અઝારેલોનું બીજા દિવસે મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વ્યક્તિએ પોતાને આગ કેમ લગાવી તેની હજુ સુધી જાણકારી મળી નથી. જોકે, મેક્સવેલે પોતાને આગ લગાડતા પહેલાં કેટલાક કાગળો હવામાં ફેંક્યા હતા. જેમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેન અને ટ્રમ્પ પરસ્પર ભળેલા છે. બંને અમેરિકામાં સરમુત્યારશાહી લાવીને વ્યવસ્થા બદલવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના આખરી ભાગમાં અમેરિકામાં ચૂંટણી થવાની છે.