ટ્રમ્પ-મસ્કની વિવાદિત નીતિઓ વિરુદ્વ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

Saturday 15th February 2025 05:34 EST
 
 

વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવિધ વિવાદાસ્પદ નિર્ણયો વિરુદ્ધ અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં લોકજુવાળ ફાટી નીકળ્યો છે અને ટ્રમ્પ અને તેમના સલાહકાર ઉદ્યોગપતિ ઇલોન મસ્કની વિવાદાસ્પદ નીતિઓ અને પગલાંઓનો વિરોધ કરવા દેશના અનેક શહેરોમાં લોકોએ વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનકારીઓએ ગેરકાયદે ઘૂસી આવેલા ઇમિગ્રન્ટને તગેડી મૂકવાના અને ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારો પાછા ખેંચી લેવાના તથા ગાઝા પટ્ટીમાંથી સ્થાનિક લોકોનો તાકાતના જોરે બળજબરીપૂર્વક તગેડી મૂકવાના નિર્ણયોનો સખત વિરોધ કરી રહ્યા છે. ફિલાડેલ્ફિયા ઉપરાંત કેલિફોર્નિયા, મિનેસોટા, મિશિગન, ટેક્સાસ, વિસ્કોન્સીન ઇન્ડિયાના જેવા રાજ્યોના પાટનગરોમાં હજારો લોકોએ વિરોધ પ્રદર્શનો અને રેલીઓનું આયોજન કરીને ટ્રમ્પ અને મસ્કના નિર્ણયોનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ અને મસ્કની મજાક ઉડાવતા અને ટીકા અને આલોચના કરતાં લખાણો ધરાવતા પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે પોતાની સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા ચકાસતો વિભાગ) નામનો એક નવો વિભાગ ઉભો કર્યો છે અને તેની સંપૂર્ણ જવાબદારી ઇલોન મસ્કને સોંપાઈ છે. યાદ રહે મસ્ક પોતે કર્મચારીઓની કાર્યક્ષમતા વિશે ખુબ કટ્ટરવાદી વલણ ધરાવે છે.

ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે લીધેલા કેટલાંક વિવાદાસ્પદ નિર્ણયોની જાહેરાત થઈ તે સાથે જ તેમની વિરુદ્ધ સમગ્ર અમેરિકામાં ઓનલાઇન વિરોધ શરૂ થઈ ગયો હતો અને આ વિરોધ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ કરવા લોકોએ એક પદ્ધતિસરની ઝુંબેશ ચલાવી હતી જેમાં #buildtheresistance અને #50501 જેવી ચળવળનો સમાવેશ થાય છે, જેનો અર્થ એમ થાય છે કે 50 વિરોધ પ્રદર્શન, 50 રાજ્યો અને 1 દિવસ. જુદી જુદી વેબસાઈટ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર લોકોએ સરકાર વિરુદ્ધ પગલાં લેવાની હાકલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter