વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિનો પહેલી માર્ચે અમલ કરવાની તરફેણ કરી હતી. આને કારણે ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે. ટ્રમ્પે અમેરિકનોના લાભ માટે ઇમિગ્રેશન નિયમો વધારે કડક બનાવવાની વાત કરી હતી. ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને પહેલી વખત સંબોધતાં કહ્યું કે, મેરિટ આધારિત ઇમિગ્રેશન નીતિ અપનાવવાનું અમેરિકાનાં હિતમાં રહેશે. જેને કારણે લાયકાત ધરાવતા અમેરિકનોને નોકરીઓ મળશે અને તેમનું જીવનધોરણ સુધરશે. ભારત જેવા દેશમાંથી આવતા ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સને આથી ફાયદો થશે.
ટ્રમ્પે કહ્યું કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં મેરિટ આધારિત ઇમિગ્રેશનની નીતિ હાલ અમલમાં છે. આવી નીતિથી લાખો ડોલર્સની બચત થશે અને કર્મચારીઓનાં વેતનમાં નોંધપાત્ર વધારો થશે. આ મુદ્દે લિંકન સાચા હતા. હવે તેમની વાતનો અમલ કરવાનો સમય આવી ગયો છે. અમેરિકાની કોંગ્રેસે હત્યામાં માર્યા ગયેલા ભારતના એન્જિનિયર શ્રીનિવાસને બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખે મૃતકના પરિવાર માટે વેદના વ્યક્ત કરી હતી. કેન્સાસમાં થયેલી ભારતીય એન્જિનિયરની હત્યા અંગે ટ્રમ્પે પહેલી વખત મૌન તોડયું હતું અને હત્યાને વખોડતાં કહ્યું હતું કે, અમેરિકામાં નફરતની ભાવનાને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. કેન્સાસ હત્યા અને યહૂદીઓનાં સેન્ટર્સને ટાર્ગેટ બનાવવાનું તદ્દન ખોટું છે.
ભારતને ટ્રમ્પનાં નિવેદનનો લાભ
ટ્રમ્પનાં નિવેદન મુજબ જો મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ અમલમાં આવશે તો ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થશે. ભારતની આઈટી કંપનીઓ હાલ એચ વનબી વિઝા પર તેના કર્મચારીઓને અમેરિકા મોકલે છે. આ વિઝા નોનઇમિગ્રન્ટ વિઝા છે. તેમાં યુએસની કંપનીઓ વિદેશી કર્મચારીઓને તેના દેશમાં બોલાવે છે.
મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ
ઓસ્ટ્રેલિયા દર વર્ષે ફક્ત ૧.૯૦ લાખ લોકોને કાયમી ઈમિગ્રેશન વિઝા આપે છે. તેની ત્રણ કેટેગરી છે. તેમાં સ્કિલ્ડ વિઝા, ફેમિલી વિઝા અને હ્યુમેનિટેરિયન વિઝાનો સમાવેશ થાય છે. પીઆરમાં બે તૃતીયાંશ વિઝા સ્કિલ્ડ માઇગ્રન્ટ્સને અપાય છે આ લોકોને ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારી ગણવામાં આવે છે.
પોઇન્ટ બેઝડ વિઝા સિસ્ટમ
કેટલાક સ્કિલ્ડ વિઝા પોઇન્ટ બેઝડ સિસ્ટમ પર અપાય છે. એમાં અરજદારનું અંગ્રેજી પર પ્રભુત્વ, ઉંમર, કામકાજનો અનુભવ, હોદ્દા તેમજ કામગીરીને મહત્ત્વ અપાય છે. જેઓ ફેમિલી વિઝા પર પોતના દેશમાં આવવા માગે છે તેમનો સ્કિલ્ડટેસ્ટ લેવાતો નથી. કોઈ નજીકનાં સગાં તેમને સ્પોન્સર કરે તેવો આગ્રહ રખાય છે. આવાં સગાં ત્યાંના પીઆર કે નાગરિક હોવા જરૂરી છે. શરણાર્થી લોકોને માનવીય ધોરણે વિઝા અપાય છે.