વોશિંગ્ટનઃ અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત તરફનો મૈત્રીપૂર્ણ અભિગમ જાણીતો છે. બીજું, તેઓ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલમાં તેઓ ભારતનું વિશેષ મહત્ત્વ સમજે છે. આમ સમગ્ર સંજોગોને ધ્યાનમાં રાખીને અમેરિકાના પ્રમુખની પ્રથમ વિદેશ યાત્રા માટે વોશિંગ્ટન અને નવી દિલ્હીએ પરદા પાછળ ચક્રો ગતિમાન કર્યા છે.
આંતરરાષ્ટ્રીય નીતિરીતિ અંગે પણ ટ્રમ્પનો પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. તેઓ અગાઉ જ કહી ચૂક્યા છે કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-ગાઝા યુદ્ધ અટકાવવાને તેઓ પ્રાથમિકતા આપશે. સાથે સાથે જ અમેરિકા ચીનને જોરદાર ટક્કર આપવા કમર કસી રહ્યું છે. આ સંજોગોમાં ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાનું કૂટનીતિક વલણ ભારતતરફી કરવા જઈ રહ્યું છે.
એક અહેવાલ અનુસાર, સમગ્રતયા સંજોગોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવવાના પ્રયાસોને વેગ અપાઈ રહ્યો છે. 20મી જાન્યુઆરીએ ટ્રમ્પ સત્તારૂઢ થાય તે પછી તરત જ આ માટે ઔપચારિક પહેલ થાય તેવી પૂરતી શક્યતા છે.
સંભવતઃ મોદી-ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક શુભેચ્છા સંદેશથી આની શરૂઆત થશે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિને ‘ક્વાડ’ શિખર સંમેલનમાં દિલ્હી આવવાનું આમંત્રણ આપવામાં આવશે. ‘ક્વાડ’ની તારીખો જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓની ભાગીદારીને ધ્યાનમાં રાખીને નક્કી થશે.