ન્યૂ યોર્કઃ અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પમાં મનોરોગી લક્ષણો નાઝી સરમુખત્યાર હિટલર કરતાં પણ વધારે જોવા મળે છે. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિએ કે ડેમોક્રેટિક નેતાઓએ નહીં, પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીઓએ કરી છે.
બ્રિટનની વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની કેવિન દુટને એક અભ્યાસ કરીને આ વાત સાબિત કરી છે. દુટને વિવિધ ઐતિહાસિક હસ્તીઓમાં મનોરોગના લક્ષણો કેટલા છે એ જાણવા એક પદ્ધતિ વિકસાવી છે. આ માટે તેમણે સાયકોપેથિક પર્સનાલિટી ઈન્વેન્ટરી- રિવાઈઝ્ડ નામનું એક સ્ટાન્ડર્ડ સાયકોમેટ્રિક ટૂલ વિકસાવ્યું છે. આ યાદી તૈયાર કરવા આત્મવિશ્વાસ, પ્રભાવ, અપ્રામાણિકતા અને અંતરાત્મા જેવા માપદંડોનો પણ આધાર લેવામાં આવ્યો હતો, જેના આધારે વિવિધ નેતાઓ મુદ્દે નિષ્ણાતોને ૫૬ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.