ટ્રમ્પ - હિલેરી વચ્ચેનો ચૂંટણી જંગ અંતિમ તબક્કામાં

Thursday 03rd November 2016 08:03 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસમાં આઠમી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે યુએસ રાજકારણમાં અવનવા વળાંક આવી રહ્યા છે અને રાજકીય વાતાવરણ ગરમી પકડી રહ્યું છે. ચૂંટણીના ૧૧ દિવસ પહેલાં એફબીઆઇએ ડેમોક્રેટ ઉમેદવાર અને પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ વધુ એક કેસ ફરી ખોલવાની ઘોષણા કરી છે. એફબીઆઇ ડાયરેક્ટર જેમ્સ કોમીએ માહિતી વ્હાઇટ હાઉસ કે વિદેશ વિભાગને આપવાના બદલે ૮ સંસદીય સમિતિઓના અધ્યક્ષોને આપી છે. તમામ અધ્યક્ષો રિપબ્લિકન છે તો બીજી તરફ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જો પોતે ચૂંટણી જીતશે તો આગામી ૧૦૦ દિવસમાં શું રાજકીય પગલાં લેશે તેનો પ્લાન અત્યારથી રજૂ કરી દીધો છે. દરમિયાન હિલેરીના ચૂંટણી પ્રચાર માટે ભારતીય અમેરિકનોએ ભેગા મળીને આશરે એક કરોડ ડોલર અને લગભગ બે ભારતીય અમેરિકનો મેરિલેન્ડના ફ્રેન્ક ઇસ્લામ અને કેલિફોર્નિયાની શેફાલી રાઝદાન દુગ્ગલે ભેગા મળીને દસ દસ લાખ ડોલર ઉઘરાવ્યા હોવાનું મનાય છે.

હિલેરીના ભંડોળની ગુપ્તતા

હિલેરી કેમ્પેઇન તેમને મળતા ભંડોળની માહિતી જાહેર કરતું નથી કે તેમને ફંડ આપનાર મોટા દાતાઓના નામ પણ જાહેર કરતા નથી. એમની પાસે ‘હિલબ્લેઝર્સ’ નામનું એક જૂથ છે જેની પાસે એવા દાતાઓની યાદી છે જેમણે ૧૨ એપ્રિલ, ૨૦૧૫થી એટલે કે પ્રચારની શરૂઆતથી જ હિલેરી ફોર અમેરિકા, હિલેરી વિકટરી ફંડ, હિલેરી એકશન ફંડ જેવા બેનર હેઠળ એક લાખ કરતાં વધુ ડોલર ઉઘરાવ્યા હતા. હિલેરી કેમ્પેઇન દ્વારા જારી કરવામાં આવેલી હિલબ્લેઝર્સ યાદી અનુસાર, ૩૦ કરતાં વધુ ભારતીયો છે જેમણે ઓછામાં ઓછા એક લાખ ડોલર ઊભા કર્યા હતા.

ઓબામાનો ભારતીય અમેરિકન માટે પ્રચાર

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમના ખૂબ સારા મિત્ર ભારતીય અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિને શિકાગો ટિસ્ટ્રિક્ટના એક પરામાંથી અમેરિકન કોંગ્રેસની ચૂંટણી માટે ટેકો આપતો વીડિયો ૩૦મી ઓક્ટોબરે જાહેર થયો છે.
વીડિયોમાં ઓબામા કહે છે કે, હાય, હું બરાક ઓબામા તમને મારા ખૂબ સારા મિત્ર રાજા કૃષ્ણમૂર્તિને મત આપવા અપીલ કરું છું. હું જ્યારે યુએસ કોંગ્રેસનલ માટે ચૂંટણી લડતો હતો ત્યારે રાજાએ મને સૌને લાભ થાય એવા અર્થતંત્રને વિકસાવવાના વિચારો આપ્યા હતા. હવે રાજાની યોજના વેપારની વૃદ્ધિમાં, જોબર્સના આર્થિક વિકાસમાં અને કુટુંબ કોલેજમાં ભણતા પોતાના સંતાનની ફી ભરી શકે એ માટે મદદ કરશે. હાલમાં ચૂંટણીનો માહોલ છે. તમે સમય ના બગાડતાં અને રાજાને મત આપજો. ઓબામાએ ઇલિનોઇસના આઠમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિકટમાંથી ચૂંટણી લડી રહેલા કૃષ્ણમૂર્તિ માટે સ્થાનિક ટીવી ચેનલ પર આ અપીલ કરી હતી. ૩૦ સેકંડના વીડિયોમાં ઓબામા કૃષ્ણમૂર્તિના ઘરે ભારતીય ભોજન આરોગી રહ્યા હોય એવા દૃશ્યો દેખાય છે. વીઇલિનોઇસમાં ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસનલ પ્રાયમરીમાં જીત મેળવ્યા પછી ૪૨ વર્ષના કૃષ્ણમૂર્તિનો સામનો હવે રિપબ્લિકન પાર્ટીના પીટર ડી સીઆની સામે થશે.

ટ્રમ્પનો લક્ષ્યાંક લોકશાહીનો ખાતમો: હિલેરી

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, સીરિયા અંગે તેમના હરીફ હિલેરી ક્લિન્ટનની નીતિ ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે. બીજી તરફ હિલેરીએ ટ્રમ્પ પર એવો આક્ષેપ કર્યો છે કે તેઓ લોકતંત્રનો નાશ કરવા બેઠા છે. ટ્રમ્પે કહ્યું હતું કે સીરિયામાંથી અસાદને પદભ્રષ્ટ કરવા કરતાં આઈએસનો સામનો કરીને તેનો નાશ કરવાનું વધારે મહત્ત્વનું છે. અણુશસ્ત્રો ધરાવતાં રશિયાનાં લશ્કરી દળો સામે લડવાનું હમણાં મહત્ત્વનું નથી.

ઈકોનોમીને નવી ઊંચાઈએ લઈ જઈશ: હિલેરી

હિલેરીએ કહ્યું હતું કે, અમેરિકા ૨૪૦ વર્ષથી જેનું જતન કરી રહ્યો છે તે લોકશાહીનો ખાતમો બોલાવવા ટ્રમ્પ મચી પડયા છે. અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા પછી હવે તેમનું નિશાન લોકતંત્ર છે. ફ્લોરિડાની ચૂંટણીરેલીમાં હિલેરીએ કહ્યું હતું કે, યુએસમાં દરેકને સમાનતા અને યોગ્ય વ્યવહારનો અધિકાર છે. આવનારા ચાર વર્ષોમાં હું દેશની ઈકોનોમીને નવી ઊંચાઈ પર લઈ જઈશ, જેમાં ફક્ત અમીરો નહીં સમાજના નીચલા વર્ગને પણ મહત્ત્વ અપાશે.

‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ ઃ ટ્રમ્પનું નવું ચૂંટણી સૂત્ર

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર માટેની નવી એડ (જાહેરખબર)માં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વહેતું મુકાયેલું સૂત્ર ઉધાર લેવાયું છે. ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’ એવા મુખ્ય સૂત્ર સાથેની ટ્રમ્પની એડમાં એમ કહેવાયું છે કે રિપબ્લિકન ઉમેદવાર અમેરિકા, ઉપરાંત ભારત- અમેરિકા સંબંધો માટે પણ ઉત્તમ બની રહેશે. આ એડ રિપબ્લિકન હિંદુ કોઅલિશન નામના ગ્રૂપે તૈયાર કરી છે, જેમણે એક અઠવાડિયા પહેલાં ન્યૂ જર્સીમાં ટ્રમ્પની સભા રાખી હતી. ૧૬ ઓક્ટોબરની એ સભામાં વિવાદાસ્પદ ઉમેદવાર ટ્રમ્પે કહ્યું હતું કે, અમને હિંદુઓ માટે અને ભારત માટે પ્રેમ છે.

હિલેરીનો ઘોડો વિનમાંઃ સર્વેક્ષણ

એક સર્વેક્ષણ પ્રમાણે ટ્રમ્પનું ચૂંટણીભાવિ ધૂંધળું બન્યું છે. ધ એસોસિયેટેડ પ્રેસને મળેલી માહિતી મુજબ ન્યૂ હેમ્પશાયરના મતદારોમાં વહેંચાનારા મેઇલર્સમાં રિપબ્લિક પાર્ટીની નેશનલ કમિટીએ ટ્રમ્પની સદંતર ઉપેક્ષા કરી છે. ટ્રમ્પને બદલે મેલમાં હિલેરીની વિશ્વસનીયતા પર ફોકસ છે. તેમાં માજી પ્રમુખ બિલ ક્લિન્ટન અને હિલેરીનો ફોટો મૂકી નીચે લખાયું છે, ‘નો મોર ઓફ ધ લાઇંગ ક્લિન્ટન્સ.’ (ક્લિન્ટનોના જુઠાણાં હવે નથી રહ્યા.) ટ્રમ્પ માટે વધુ એક માઠા સમાચાર છે. એક નવો ઇલેક્શન પોલ એવું દર્શાવે છે કે હવે જ્યારે પ્રમુખપદની ચૂંટણી બે ઉમેદવારો પૂરતી સીમિત બની છે ત્યારે યુવાન મતદારો હિલેરી ક્લિન્ટન તરફ વળી રહ્યા છે. જેન ફોરવર્ડના સરવેમાં જણાવ્યા મુજબ ૧૮થી ૩૦ વર્ષની વય વચ્ચેના મતદારોમાં ક્લિન્ટન ૬૦ ટકા વોટથી આગળ ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માત્ર ૧૯ ટકા વોટ છે.

ટ્રમ્પનો રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પ્રથમ ૧૦૦ દિવસનો પ્લાન

અમેરિકન ઇતિહાસમાં પ્રમુખપદની ચૂંટણી માટે આ સૌથી કડવાશભર્યો ચૂંટણી પ્રચાર જંગ ગણાય છે. ટ્રમ્પે દલીલોની સમાપ્તિ કરતાં ૨૭મીએ પ્રમુખ તરીકે પોતે ૧૦૦ દિવસમાં શું કરશે તેનો પ્લાન રજૂ કર્યો હતો. ટ્રમ્પે જાહેરાત કરી છે કે વોટ રિગિંગ જેવી આશંકા હશે તો તેઓ આવનારા પરિણામોને પણ જરૂર પડશે તો કોર્ટમાં પડકારશે. તો હિલેરી ટ્રમ્પને ઉશ્કેરણીજનક અબજોપતિ સંબોધીને કહી રહ્યા છે કે ટ્રમ્પ તે અમેરિકી લોકશાહી સામેનો ખતરો છે. હિલેરીએ ૨૭મીએ કહ્યું હતું કે ટ્રમ્પ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કરવા ઇનકાર કરી ચૂક્યા છે. તે રાહે તેઓ લોકશાહી સામે ખતરો સર્જી રહ્યા છે.

રાજકીય ધારાધોરણોને ફગાવી ટ્રમ્પે સર્જ્યું આશ્ચર્ય

ટ્રમ્પે પેનસિલ્વેનિયામાં રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના સમર્થકો એનડીટીવીના રિપોર્ટરને ‘લાયર’ કહીને સ્થળ છોડી જવા ધમકી આપી રહ્યા હતા. એક સમર્થકે તો માઇકને જમીન પર પટકી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી.

હિલેરીનો વિજય એટલે આઇએસનો પ્રસાર: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પ્રમુખપદની ચૂંટણીમાં હિલેરીનો વિજય એટલે ઓબામા ફરી ચાર વર્ષ સત્તા પર આવશે અને તેને પગલે આઇએસનો પ્રસાર થશે.આઇએસઆઇએસ દરેક સ્થાને ઉપસ્થિત છે

યુએસમાં ભારતીય અમેરિકન સાંસદો વધી શકેઃ એમી બેરા

એકમાત્ર ભારતીય અમેરિકન સાંસદ એમી બેરાએ ૩૦મી ઓક્ટોબરે આશા વ્યક્ત કરી છે કે આગામી સંસદમાં વધારે ભારતીય જીતશે. બેરા સતત ત્રીજી વખત મેદાનમાં છે. તેમને રાષ્ટ્રપતિ ઓબામાનુ સમર્થન છે એટલે તેમની જીત નિશ્ચિત ગણાઇ રહી છે. બેરાએ કહ્યું કે નીચલા ગૃહમાં ઓછામા ઓછા બે બીજા ભારતીય જીતીને આવી શકે છે. શિકાગોના રાજા કૃષ્ણામૂર્તિ અને સિએટલથી પ્રમિલા જયપાલ. તેમણે કહ્યું કે કમલા હૈરિસ પણ પહેલી મૂળ ભારતીય સેનેટર બની શકે છે. એક ખાસ ઇન્ટરવ્યુમાં એમી બેરાએ કહ્યું કે, મૂળ ભારતીયોએ અમેરિકનો માટે સારી વાત છે. ૫૧ વર્ષીય બેરા રિપબ્લિકન સ્કોટ જોન્સ સામે લડી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter